સોમનાથ મંદિરના દરિયાકિનારે નવા બનેલા વોક-વેનું PM કરશે ઈ-લોકાર્પણ.
જગવિખ્યાત સોમનાથના સાંનિધ્યે યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ 50 કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોક-વે, મ્યુઝિયમ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનારા રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ એકાદ અઠવાડિયાની અંદર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ થવાની છે, જેને લઈ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
વોક–વેમાંથી સોમનાથ મંદિર સાથે ઘૂઘવાતા સમુદ્રનો અદભુત નજારો માણી શકશે
સોમનાથ મંદિર સમીપે દરિયાકિનારે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત રૂ.45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ મુંબઈના મરીન ડ્રાઇવ જેવો સવા કિ.મી. લાંબો વોક-વે તૈયાર થઇ ગયો છે. સવા કિ.મી. લાંબો વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી બનાવવામાં આવ્યો છે, જેમાં બે એન્ટ્રી ગેટ રહેશે. સોમનાથ આવતા દેશ- વિદેશના યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણવા મળશે.
સાઈકલિંગની મજા પણ માણી શકશે
વોક-વે પથ પર યાત્રિકો સાઇલિંગની મજા પણ માણી શકશે. વોક-વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલરી બનાવવામાં આવી છે. એમાં વોક-વે પર ભારતની સંસ્કૃતિને લગતી ચિત્ર ગેલરી નિહાળી શકાશે. આ ચિત્ર ગેલરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે તેમજ મ્યુઝિક અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે, જેથી રાત્રિના સમયે વોક-વેનો સુંદર નજારો માણવાનો લહાવો યાત્રિકોને ટૂંકા દિવસોમાં પણ મળે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments