વિકાસ:સરકારે બજેટમાં અમદાવાદને 7 નવી યોજનાઓ માટે 2232 કરોડ ફાળવ્યા, સાયન્સ સિટીમાં ટોય મ્યુઝિયમ બનશે
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 9મી વખત વિધાનસભામાં 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. પ્રથમ વખત 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જેમાંથી અમદાવાદને 7 નવી યોજનાઓ માટે 2232 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણીથી સાયન્સ સિટીમાં નવું ટોય મ્યુઝિયમ, આઇમેક્સ થિએટર, મ્યુઝિકલ ફાઉન્ટેન અને કેફેટેરિયાના નવિનીકરણ માટે તથા ફેઝ-2 પ્રોજેક્ટ હેઠળ એક્વેટિક અને રોબોટિક્સ ગેલેરી તથા એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સના બાંધકામ, એરપોર્ટ સર્કલ પાસે કેબલ સ્ટેઈડ બ્રિજ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બીજા ફેઝ માટે પણ નાણાં ફાળવવામાં આવ્યાં છે. મેટ્રોનું કામ 2025 સુધીમાં પૂર્ણ થઈ જવાનો આશાવાદ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ ટ્રેન માટે પણ નાણાંની ફાળવણી કરવામાં આવી છે. તો અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સલેન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં પ્રજા પર કોઈ પણ નવા વેરા લાદવામાં આવ્યા નથી. અમદાવાદ, દ્વારકા, અંબાજી, સોમનાથ, સાપુતારા અને ગીર ખાતે હેલિપોર્ટ વિકસાવવામાં આવશે.
એરપોર્ટ સર્કલ પાસે કેબલ સ્ટેઈડ બ્રિજ માટે 136 કરોડની ફાળવણી
એરપોર્ટ પર આવેલા ઈન્દિરા બ્રિજ નજીક રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવામાં આવશે.
મને શું ફાયદો થશે : એરપોર્ટ સર્કલ પાસે એક હોસ્પિટલ સહિત મહત્ત્વની બિલ્ડિંગ છે. વળી આ રસ્તેથી ગાંધીનગરના રસ્તા પર વીઆઈપી મુવમેન્ટ પણ ઘણી હોય છે. આ બ્રિજ બની જતાં ટ્રાફિક હળવો બનશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બીજા ફેઝ માટે 568 કરોડ મળશે
મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રોની ફેઝ-2ની કામગીરી શરૂ કરાઈ છે, જે માટે બજેટમાં રૂ.568 કરોડની ફાળવણી કરાઈ છે.
મને શું ફાયદો થશે : બીજા ફેઝ માટે નાણાં ફાળવાતા કામ પૂરજોશમાં ચાલશે. જેના પરિણામે મર્યાદિત સમય કરતાં 2025 વહેલું કામ પૂરી થશે. જેનાથી નાગરિકોને મેટ્રો ટ્રેનો લાભ મળશે.
સાયન્સ સિટીમાં 80 કરોડનો ખર્ચ, નવું ટોય મ્યુઝિયમ મળશે
સાયન્સ સિટી ખાતે ફેઝ-1 પ્રોજેક્ટ અંતર્ગત આઈમેક્સ થિએટર, મ્યુઝિકલ ફાઉન્ટેન, એક્વેટિક અને રોબોટિક્સ ગેલેરી માટે ફાળવણી કરાઈ.
મને શું ફાયદો થશે : શહેરમાં કાંકરિયા લેક સહિત ફરવા જવાના ઘણા સ્થળો હતા પરંતુ ક્યાંય બાળકો માટે ટોય મ્યુઝિયમ ન હતું. સાયન્સ સિટીમાં ટોય મ્યુઝિયમ બની જતાં બાળકોને એક નવું સ્થળ મળશે.
રૂ.100 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સલેન થશે
બજેટમાં અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મને શું ફાયદો થશે : સિક્સ લેન હાઈવે બનતાં ઉત્તર ગુજરાત તરફ જનારા તેમજ અંબાજી, રાજસ્થાન જતાં લોકોને ફાયદો થવાની સાથે સમયની બચત થશે. તેમજ ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.
બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની જોગવાઈ કરાઈ
વડાપ્રધાન મોદીના મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
મને શું ફાયદો થશે : હાઈસ્પીડ ટ્રેન માટે કોરિડોર કન્સ્ટ્ર્કશનનું કામ શરૂ થઈ ગયું છે. 1.08 લાખ કરોડના ખર્ચે 5થી6 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી 508 કિલોમીટરનું અંતર માત્ર 3 કલાકમાં જ પૂરું થશે. આ માટે સાબરમતી ખાતે મુખ્ય ડેપો બનાવવામાં આવશે.
સિવિલ હોસ્પિટલનું રૂ.87 કરોડના ખર્ચે અપગ્રેડેશન
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ અપગ્રેડ કરવા માટે 87 કરોડ ફાળવવામાં આવ્યા છે. તાજેતરમાં જ 1200 બેડની હોસ્પિટલ પણ શરૂ કરાઈ છે.
મને શું ફાયદો થશે : અમદાવાદ સહિત જુદા જુદા રાજ્યોમાંથી અનેક લોકો સિવિલમાં સારવાર માટે આવતાં હોય છે. વર્તમાન ટેક્નોલોજીમાં બજેટની ફાળવણી બાદ થનારા અપગ્રેડેશનનો સીધો લાભ દર્દીઓને થશે. જેના કારણે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.
ઔદ્યોગિક એકમોનાં ગંદાં પાણીના નિકાલ માટે 758 કરોડ
શહેરમાં ઔદ્યોગિક એકમોને ગંદા પાણીના નિકાલની સમસ્યાના નિરાકરણ માટે ઘણાં સમયથી કરાયેલી માગને અનુસંધાને રાજ્ય સરકારે આ માટે 758 કરોડની ફાળવણી કરી છે. આ ફાળવણીથી ગંદાના પાણીના નિકાલની કામગીરી ઝડપી બનતાં ઉદ્યોગોના ઉત્પાદન પર અસર પડશે જેનાથી ઉદ્યોગોનો વિકાસ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
12 Comments