- પ્રથમ વખત એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ બહાર પડાયા, રિયલ એસ્ટેટ અને રિક્રિએશન કંપનીઓને બોલાવાઈ
- રિવરફ્રન્ટની કુલ 500 એકર જમીનમાં 14%માં બાંધકામો થશે
- 4 વર્ષ પૂર્વે 167 કરોડમાં વેચવા કાઢેલા બે પ્લોટ વેચાયા ન હતા
રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના 49 પ્લોટ વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ બહાર પાડ્યા છે. પહેલી વખત આ પ્રક્રિયા કરાઈ છે. માત્ર રિયલ એસ્ટેટ જ નહીં પરંતુ રિક્રિએશન એક્ટિવિટી કરી શકે તેવી કંપનીઓને પણ આવકારી છે. આ કરવા પાછળનો હેતુ એ છે કે, સાબરમતી રિવરફ્રન્ટની 14 ટકા વેચાણ લાયક જમીન પર શું, કેટલું અને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય તે જાણવાનો છે.
એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. જે 49 પ્લોટમાં 2 માળથી 30 માળ સુધીનું બાંધકામ થઈ શકે તેટલી છૂટ અપાઈ છે. 30 માળ ઊભા થઈ શકે તેવા પશ્ચિમ રિવરફ્રન્ટ ખાતે 3 અને પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 4 પ્લોટ છે. રિવરફ્રન્ટ 500 એકર જમીનમાં બનાવાયો છે. જેમાંથી 85.5 ટકા જમીન પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બગીચા, સ્પોર્ટ્સ ફેસિલિટી માટે તૈયાર કરાયો છે. બાકીની 14.5 ટકા જમીન કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે વેચાણ માટે રાખવામાં આવી છે. 4 વર્ષ પહેલાં 167 કરોડની તળિયાની કિંમતે બે પ્લોટ વેચવા કાઢ્યા હતા પણ કોઈએ રસ દાખવ્યો નહોતો.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડેવલપમેન્ટના આ ફાયદા છે
- 49 પ્લોટ વેચવા કાઢ્યા છે તેની ફૂટપ્રિન્ટ પણ નક્કી કરાઈ છે.
- 500 એકર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, પાવર, વોટર સપ્લાય વગેરે છે.
- 92 મીટર સુધીની બિલ્ડિંગની હાઈટ છે.
- 99 વર્ષ ભાડાપટ્ટે આપી શકાશે.
- 15 મીટર બેઝમેન્ટ બનાવવા છે.
- સાબરમતી રિવરફ્રન્ટનું લેન્ડ ટાઈટલ પણ ક્લિયર અને વિવાદ વગરનું છે.
રિવરફ્રન્ટ હાઉસનો ચોથો માળ રિઝર્વ બેન્કે વાર્ષિક 1.10 કરોડના ભાડે લીધો
રિવરફ્રન્ટ હાઉસનો પાંચમો માળ પણ ભાડે આપવા એક્સપ્રેસ ઓફ ઈન્ટ્રેસ્ટ જારી કરાયા છે. અંદાજે 16 હજાર સ્કવેર મીટર એરિયામાં પાંચમો માળ છે. પ્રતિ સ્કવેર ફૂટ રૂ.60ના ભાવે ભાડે અપાશે. હાલમાં ચોથો માળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિ સ્કવેર ફૂટ રૂ.60ના ભાડે લીધો છે. રિઝર્વ બેન્ક વર્ષે
1.10 કરોડનું ભાડું રિવરફ્રન્ટ કંપનીને ચૂકવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
10 Comments