HousingNEWS

એનાલિસિસ:ગુજરાતમાં કોરોનાની મંદીમાં 70 હજાર ફ્લેટ્સ અટક્યા હતા, 3 માસમાં 37 હજાર વેચાઈ ગયા

  • અમદાવાદમાં સૌથી વધુ 15000 ફ્લેટ વેચાયા, સુરતમાં નવા પ્રોજેક્ટમાં 2000 ફ્લેટનું બુકિંગ થયું
  • ઓક્ટોબર-ડિસેમ્બરમાં રેસિડેન્સિયલ પ્રોપર્ટીની માંગ 55.6% વધી, કોમર્શિયલમાં હજુ ધીમી ગતિ

રિયલ એસ્ટેટ બજારમાં સુસ્તી અને ઉપરથી કોરોના. આ બંને કારણથી રિયલ એસ્ટેટ મંદી તરફ ધકેલાઈ ગયું, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં માંગ વધી અને આ બજારને ફરી એકવાર નવી ગતિ મ‌ળી. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માંગમાં 55.6%નો ઉછાળો નોંધાયો. હવે સ્થિતિ એ છે કે, મંદી અને કોરોનાના કારણે અટકી ગયેલા તૈયાર ફ્લેટોમાંથી 37 હજારનું વેચાણ છેલ્લા ત્રણ મહિનામાં જ થઈ ગયું છે. રિયલ એસ્ટેટને મળેલા આ બુસ્ટરના કારણે નવા પ્રોજેક્ટ્સ પર પણ કામ શરૂ થઈ ગયું છે અને ગ્રાહકોએ નવા પ્રોજેક્ટ્સમાં પણ 10 હજારથી વધુ ફ્લેટોનું બુકિંગ કર્યું છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, હાલ આ ઉછાળો ફક્ત રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં જ છે.

કોમર્શિયલ પ્લોટ કે સ્પેસનું વેચાણ હજુ બહુ ધીમું છે. આશા છે કે, આ ક્ષેત્રમાં પણ આગામી દિવસોમાં તેજી આવી શકે છે. ક્રેડાઈના આંકડા પ્રમાણે, ગુજરાતમાં આશરે 70,200થી વધુ રજિસ્ટર્ડ તૈયાર ફ્લેટ કોરોના મહામારી અને બીજા કારણસર વેચાયા ન હતા, પરંતુ દિવાળીના થોડા સપ્તાહ પહેલા ફ્લેટોની માંગમાં ‌વધારો થયો. સારી વાત એ છે કે, આ માંગ દિવાળી પછી પણ ચાલુ છે. ક્રેડાઈ, અમદાવાદના આશિષ પટેલ જણાવે છે કે, હાલ સૌથી વધુ માંગ ફ્લેટની છે. અમે સ્ટોક ક્લિયર કરવા અને નવા પ્રોજેક્ટ્સના બુકિંગ પર ધ્યાન આપી રહ્યા છીએ. જોકે, નવા પ્રોજેક્ટ્સમાં બૂમ તમામ સ્ટોક પૂરો થયા પછી જ જોવા મળશે.

સ્ટેમ્પ ડ્યૂટી ઘટે તો અનેક લોકોને છત મળી જાય
નિષ્ણાતોનું કહેવું છે કે, હાલ રોકાણ બંધ છે અને રિયલ બાયર ખરીદી કરી રહ્યા છે. જો સરકાર આ સ્થિતિમાં સ્ટેમ્પ ડ્યૂટી ખતમ કરી દે, તો હજારો લોકોને છત મળી જાય. અનેક રાજ્યોએ આ નિર્ણય લીધો પણ છે. રિયલ બાયરને મકાનની કિંમત પછી ડ્યૂટીના રૂપમાં મોટી રકમ ચૂકવવી પડે છે. આ રીતે જો જંત્રીના દરો પણ વધારી દેવાય, તો બજાર ભાવ અને જંત્રી ભાવ વચ્ચેનું અંતર ઘટશે. તેનાથી લોકો વધુ લોન લઈ શકશે અને કાળા બજાર પણ અટકશે.

કોમર્શિયલ સ્પેસની માગ ઓછી
રિયલ એસ્ટેટ એજન્ટોનું કહેવું છે કે, કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ ઓછી છે કારણ કે, હાલ કોઈ કંપની કે બ્રાન્ડ પોતાનું વિસ્તરણ નહીં કરે. તેનાથી ઊલટું મોટી બ્રાન્ડ્સ પોતાના સ્પેસ ભાડે આપી રહી છે. જમીનોની ખરીદી થઈ રહી છે, પરંતુ બહુ ઓછા લોકો હાલ રોકાણ કરી રહ્યા છે.

અમદાવાદ-સુરતમાં સૌથી વધુ ફ્લેટ વેચાયા

શહેરસ્ટોકવેચાયાનવા બુકિંગ
અમદાવાદ30,00015,000.004,300.00
સુરત14,0007,5002,000
રાજકોટ3,2001,500.00460
વડોદરા16,00010,000.002,300.00
અન્ય7,0003,000940
કુલ70,20037,00010,000

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close