GovernmentNEWS

વડાપ્રધાન મોદીએ કર્યો નવા સંસદભવનનો શિલાન્યાસ, કહ્યું કે, નવું સંસદભવન આત્મનિર્ભર ભારતનું બનશે પ્રતિક.

PM Modi lays foundation stone of new Sansad Bhavan

દેશના ઈતિહાસ માટે આજે મહત્ત્વનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. નવા સંસદભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. નવા ભવનમાં લોકસભાના સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભાના સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1224 સભ્ય એકસાથે બેસી શકશે.

રતન ટાટા અને પદ્મશ્રી બિમલ પટેલ પણ રહ્યા હાજર
સંસદભવનના શિલાન્યાસ કાર્યક્રમમાં ઘણી મોટી સેલિબ્રિટીઓ હાજર રહી છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટા, અમિત શાહ, રાજનાથ સિંહ, પદ્મશ્રી બિમલ પટેલ અને અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ કાર્યક્રમ સ્થળ પર હાજર હતા.

સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. એમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી.

લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાએ આ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થતાં આપણે સંસદભવનમાં બંને ગૃહોનાં સેશનની શરૂઆત કરીશું.

નવા ભવનને પેપરલેસ બનાવાશે
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા મુજબ, નવા ભવનમાં સંસદસભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે, જેથી સંસદને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે એવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. એને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. એના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.

સુપ્રીમ કોર્ટે દર્શાવી હતી નારાજગી
નવા સંસદભવનને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર છેલ્લો નિર્ણય ન સંભળાવવામાં આવે.

વિશેષતાઃ આઝાદીની 75મી વર્ષગાંઠનું સત્ર નવા ભવનમાં યોજાશે

  • નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે.
  • ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે.
  • નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડરગ્રાઉન્ડ હશે.

શા માટે નવું સંસદભવન?
હાલનું સંસદભવન સૈકા જૂનું હોવાથી એેમાં મરામતની બહુ આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું અનિવાર્ય છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય એવી પ્રાથમિકતા આપવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટા શું છે?
1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો
ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.

કોણ છે ડૉ. બિમલ પટેલ?
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રીડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close