મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોનાં મોત, રાજ્યના તમામ પુલોની તપાસ જરુરી

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલનો એક ગાળો તૂટી પડતાં, 10 લોકોનાં મોત થયા છે. હજુ મોતનો આંકડો વધાવની સંભાવના રહેલી છે. આજ રોજ વહેલી સવારે પુલ તૂટી ગયો હતો. પરિણામે આ પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અહીં, ખૂબ જ ગંભીર બાબત એ છે કે, ગુજરાતમાં આવેલા તમામ જિલ્લામાં જે પુલ જૂના અને જર્જરિત છે તેવા તમામ પુલોની તપાસ કરીને તેની આવરદા તપાસ કરીને પુલો અંગે રાજ્ય સરકારે કડકાઈથી સલામતી ચોક્કસ પગલાં લેવા જરુરી છે. કારણ કે, હાલ ચોમાસુની ઋતુ છે, જેથી ઘણા પુલ જર્જરિત હશે અથવા તો ધોવાયા છે જેથી હાલ તપાસ કરાવવી જરુરી લાગી રહી છે.
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકી ૧ ગાળો તૂટી પડવાથી આ ગોઝારી ઘટના સર્જાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને આ ઘટના કેવી રીતે ઘટી તે અંગે તપાસના આદેશ આપ્યા છે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.આ માટે ચીફ એન્જિનિયર-ડિઝાઇન તથા ચીફઇજનેર- સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઈજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પુલ અધવચ્ચેથી તૂટી પડતાં જ પાંચેક જેટલા વાહનો સીધા નદીમાં પડી ગયા હતા. જેમાં એક ટ્રક અને એક પિકઅપ વાહનનો પણ સમાવેશ થાય છે. જેમાં સવાર મુસાફરો પૈકી 10 લોકોનાં મોત થયા છે. અને સ્થાનિકો કહેવું છે કે, હજુય ઘણા લોકો ફસાયા છે જેથી મોતનો આંકડો વધી શકે છે અને હાલ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા