સમસ્ત પ્રજાપતિ સમાજના સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત,કહ્યું કે સમાજે વર્ષાયો સ્નેહ

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા આજે અડાલજની નજીક આવેલા કસ્તુરીનગર ખાતે, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા અને સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા કલોલના શેરથા ખાતે નિર્માણ પામવા જઈ રહેલા સામાજિક અને શૈક્ષિણક સંકુલના સ્થાપક ટ્રસ્ટી અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રજાપતિ સમાજ પણ હવે રુપિયાવાળો થયો છે તો, પ્રજાપતિ સમાજના ઉત્કર્ષ માટે થઈ રહેલા કામો માટે દાન આપવું જોઈએ. તેમજ આ પ્રસંગે એવું પણ કહ્યું હતું કે, જ્યારે સરકારની જરુર પડે ત્યારે સરકાર આપની સાથે જ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ સહિત વિકાસના કોઈપણ ક્ષેત્રમાં જ્યારે સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે ત્યારે રાજ્ય અને દેશની વિકાસની ગતિ બમણી થતી હોય છે, તેવા નિવેદન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના ટ્રસ્ટીઓ અને સમાજના તમામ લોકોએ કરેલા સ્નેહવર્ષા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલ પ્રજાપતિએ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના સંકુલ માટે જે દાનવીરોએ દાન આપ્યું છે તેમનો હદયપૂર્વક આભાર માનીને તેમનો સંપૂર્ણ પરિચય સમાજના લોકો વચ્ચે વ્યક્ત કર્યો હતો. તેમજ સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજના લોકો વધુને વધુ દાન આપે તેવી નમ્ર અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત, રાજ્યસભા સાંસદ મયંક નાયક, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલ પ્રજાપતિ, સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ, રાજ્યસભના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, ભાજપના અગ્રણી નૌકાબેન પ્રજાપતિ અને અનેક હોદ્દેદારો સહિત મોટીસંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.