રોડ ખરાબ હોય તો, ટોલ એજન્સી ટોલ વસૂલ કરે તે યોગ્ય નથી – કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી
સેટેલાઈટ આધારિત ટોલિંગ પર વૈશ્વિક વર્કશોપમાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, જો રોડ ખરાબ હોય અથવા તો, ખાડાવાળો હોય તો, જે તે ટોલ એજન્સીને ટોલ વસૂલ કરવાનો કોઈ જ અધિકાર નથી. કરોડો હાઈવે પ્રવાસીઓની લાગણીનો પડઘો પાડતાં, ગડકરીએ જણાવ્યું હતું કે, જો રસ્તાઓ સારી સ્થિતિમાં ના હોય અને લોકોને સમસ્યાઓનો સામનો કરવો ચાલુ રહે તો હાઈવે એજન્સીઓ ટોલ વસૂલે તે યોગ્ય નથી.
વધુમાં ગડકરીએ કહ્યું કે NH એજન્સીઓના ફિલ્ડ ઓફિસરોએ ટોલ પ્લાઝા પર લાંબા સમય સુધી રાહ જોતા લોકોને જે પીડાનો સામનો કરવો પડે છે. તેના પ્રત્યે વધુ સંવેદનશીલ હોવા જોઈએ અને ફરિયાદો દાખલ કરવા અને તેના ઝડપી નિવારણ માટે એક પદ્ધતિ હોવી જોઈએ.
જોકે સરકારે 2021માં ટોલ લેન દ્વારા સીમલેસ મુસાફરી માટે હાઈવે પર ટોલ ભરવા માટે FASTag નો ઉપયોગ ફરજિયાત બનાવ્યો હતો. અને હાલમાં લગભગ 98% વ્યવહારો વાહનો પર નિર્ધારિત આ સ્માર્ટ ટૅગ્સ દ્વારા થાય છે, દેશભરમાંથી પ્લાઝા પર કતારો હોવાના અસંખ્ય અહેવાલો છે.
પરંતુ, હવે તેનો અંત લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસશીલ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (GNSS) આધારિત ટોલ કલેક્શનના રોલ આઉટ અને વિસ્તરણ પર કામ કરી રહી છે. અને આ નાણાકીય વર્ષમાં 5,000 કિમીમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.