ઓગણજ સર્કલ પર નિર્માણ પામશે અંડરપાસ બ્રિજ,હજારો વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુકિત
અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેલા ઓગણજ સર્કલ પર 6 લેનનો અંડરપાસ નિર્માણ કરવામાં આવશે અને અહીં અંડરપાસ અને ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામવાથી 70 હજાર વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.
અમદાવાદ શહેરનો વિકાસ રુટ અને ટ્રાફિકથી ધમધમતો એસપી રીંગ રોડ પર જેટલા ચાર રસ્તા હોય છે, ત્યાં ટ્રાફિકજામ થાય છે. જેથી આવા તમામ ચાર રસ્તા ધરાવતા ટ્રાફિક સર્કલ પર અંડરપાસ અને ફ્લાયઓવર બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે, ઓગણજ ગામ નજીક આવેલા ઓગણજ સર્કલ પર અંડરપાસ નિર્માણ કરવામાં આવશે. જેના માટે ઔડા 65 કરોડના ખર્ચે અંડરપાસ નિર્માણ કરવા માટે નિર્ણય લીધો છે. આ ઉપરાંત, બાકરોલ, નિકોલ, રામોલ, પાંજરાપોળ, શીલજ અને સિંધુભવન જંકશન પણ બ્રિજ નિર્માણ કરવામાં આવશે.
ઔડાના એક્ઝિક્યુટિવ એન્જનીયરના જણાવ્યાનુસાર, અંડરપાસના એપ્રોચની લંબાઈ 741 મીટરની રાખવામાં આવશે. જે પૈકી 158 મીટર વૈષ્ણોદેવી સર્કલ તરફ રહેશે અને 537 મીટર સાયન્સ સિટી તરફ રહેશે.
અંડરપાસના નિર્માણની વાત કરીએ તો, અંડરપાસ માટેનું જે બોક્સ બનાવવામાં આવશે તે 46 મીટર લાંબુ હશે. અંડરપાસને સમાંતર બહારની તરફ પીક્યૂસી સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવશે. આ અંડરપાસનું કામ શરુ કરવામાં આવશે ત્યારે યોગ્ય પ્રકારનું ટ્રાફિક નિયમન કરવામાં આવશે. જેથી ટ્રાફિક જામ ના થાય અને લોકો પરેશાન થાય નહી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.