અમદાવાદના એસ.જી. હાઈવે નજીક આવેલી ઝાયડ્સ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલા ગણેશ ગ્રાઉન્ડ પર ક્રેડાઈ અમદાવાદનો 18મો પ્રોપર્ટી શોનું આયોજન 5 થી 7 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે, ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
અહીં નોંધનીય છે કે, ક્રેડાઈ અમદાવાદ પ્રોપર્ટી શો-2024ના આયોજન પહેલાં ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જાહેરાત કરી છે કે, હવેથી અમદાવાદમાં જે પ્રોપર્ટીનું વેચાણ થશે તે માત્ર રેરા કાર્પેટ એરિયા મુજબ થશે અને ક્રેડાઈ અમદાવાદના 2024ના પ્રોપર્ટી શોમાં ભાગ લેનાર તમામ ડેવલપર્સ રેરા કાર્પેટ એરિયા મુજબ સેલિંગ કરશે. જોકે, હાલ અમદાવાદના કેટલાક ડેવલપર્સ રેરા કાર્પેટ એરિયા મુજબ પ્રોપર્ટીનું વેચાણ કરી રહ્યા છે. પરંતુ, હજુ જૂની પધ્ધતિ પણ ચાલુ છે, એટલે કે, સુપર બિલ્ટઅપથી પણ વેચાણ ચાલુ જ છે.
ગુજરાતના મોટામાં મોટા પ્રોપર્ટી શોમાં 60 થી વધારે અમદાવાદના અગ્રણી ડેવલપર્સ દ્વારા અમદાવાદ અને તેની આસપાસ વિસ્તારોમાં આવેલા 400 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરશે.જેમાં રેસિડેન્શિયલ,કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીક એન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક્ઝિબિશનમાં નાણાંકીય સંસ્થાઓ જેમ કે,બેંકો,હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ સહિત મોટીસંખ્યામાં બિલ્ડિંગ મટેરીયલ સપ્લાયર્સના સ્ટોલ છે.
આ પ્રસંગે, ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે,2005 થી અત્યાર સુધીના પ્રોપર્ટી શોમાં અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરોમાંથી આવતા પ્રોપર્ટી રોકાણકારો, પ્રોપર્ટી ખરીદનારાઓ માટે ક્રેડાઈ-ગાહેડ પ્રોપર્ટી શોમાં પ્રોપર્ટી ખરીદવામાં અને રોકાણ કરવા માટે વન સ્ટોપ સોલ્યૂશન બન્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.