ઓફિસ સ્પેસ લીઝિંગમાં તેજી, બેગણું વધીને 30.26 મિલિયન સ્ક્વેર ફૂટ પહોચ્યું
Office space leasing boomed, doubling to 30.26 million square feet
દેશમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર 2022 દરમિયાન ટોચના સાત શહેરોમાં ઓફિસ સ્પેસ માટેની લીઝિંગ 2 ગણું વધીને 30.26 મિલિયન સ્ક્વેર ફૂટ નોંધાયું છે. પરંતુ તે વર્ષના બાકીના સમયમાં પ્રી-કોવિડના સ્તરે જોવા મળે તેવી શક્યતા નહીવત્ છે. JLL ઇન્ડિયા અનુસાર ગત વર્ષે કોવિડ-19 તેમજ લોકડાઉનને કારણે માંગ પર પ્રતિકૂળ અસર પડવાને કારણે નેટ લીઝિંગ 14.63 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું હતું.
જો કે આ વર્ષે કોવિડ-19 મહામારી ખતમ થયા બાદ ફરીથી આર્થિક ગતિવિધિઓ ધમધમતા ઓફિસો ખુલતા તેમજ અર્થતંત્ર ફરીથી પાટે ચડતા વર્કસ્પેસની માંગમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો. તેમ છતાં, નેટ ઓફિસ લીઝિંગ પ્રી-કોવિડના સ્તરે એટલે કે રેકોર્ડ 47.9 મિલિયન સ્ક્વેર ફૂટના સ્તરે પહોંચે તેવી શક્યતા ઓછી છે. JLL ઇન્ડિયા ડેટા અનુસાર, દેશમાં સૌથી વધુ ઓફિસ સ્પેસ બેંગ્લુરુમાં લીઝ પર અપાઇ હતી. બેંગ્લુરુમાં ગત વર્ષના 5.41 મિલિયન સ્ક્વેર ફૂટની તુલનાએ ચાલુ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં 7.84 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર અપાઇ હતી. તેમાં વાર્ષિક 45 ટકાની વૃદ્વિ જોવા મળી છે.
ચેન્નાઇમાં પણ ઓફિસની માંગ 92 ટકા વધીને 2.28 મિલિયન સ્ક્વેર ફૂટ નોંધાઇ હતી જે અગાઉ 1.18 મિલિયન સ્ક્વેર ફૂટ હતી. દિલ્હી-NCRમાં ભાડે ઓફિસ આપવામાં 38 ટકાનો વધારો થયો હતો. ત્યારે 4.27 મિલિયન સ્ક્વેર ફૂટ ઓફિસ માટે જગ્યા લીઝ પર આપવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ ઓફિસ લીઝ આપવાના ટ્રેન્ડમાં છ ગણો વધારો થયો હતો અને ત્યાં અગાઉના 1.15 મિલિયન સ્ક્વેર ફૂટની તુલનાએ 7.22 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર આપવામાં આવી હતી. કોલકાતામાં પણ લીઝિંગ વધીને 0.48 મિલિયન સ્ક્વેર ફૂટ થઇ હતી.
મુંબઇમાં પણ લીઝિંગ બે ગણું વધ્યું
મુંબઇમાં પણ નેટ લીઝિંગ બેગણું વધીને 4.6 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1.83 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું હતું. પુણેમાં, ઓફિસ સ્પેસનું લીઝિંગ 93 ટકા વધીને 3.57 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું હતું. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન તે 1.85 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments