અમદાવાદમાં આજે પાંજરાપોળ વિસ્તાર નજીક એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતાં. જેમાં સાતના મોત થયાં હતા અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બિલ્ડીંગના 13મા માળે સ્લેબ પર બિલ્ડીંગમાં લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યા હતાં. આ કામ દરમિયાન 13મા માળનો માચડો ભારે વજનના કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતા જ આઠેય શ્રમિકો એક સાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8માં માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8માં માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા.પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતા 8માં માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. જેમાં 2 શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા જ્યારે 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બિલ્ડિંગ અકસ્માતમાં મૃત્યું પામેલા મજૂરો અને તેમના પરિવાર પ્રત્યય સંવેદના વ્યક્ત કરી છે.
આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ પહોંચી હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું હતું કે, પોલીસ અને કોર્પોરેશનને મોડા જાણ કરી છે તે મામલે પોલીસ તપાસ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા
5 Comments