મનપાની સ્થાયી સમિતિની બેઠક: કુડાસણ, વાવોલ, પેથાપુર, ઝુંડાલમાં 9 કરોડથી વધુના ખર્ચે PHC બનશે
Municipal Standing Committee Meeting: PHCs to be set up in Kudasan, Wavol, Pethapur, Jundal at a cost of over 9 crores
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે સવારે 11:30 કલાકે મળશે. મનપા દ્વારા પ્રથમવાર નવી બિલ્ડિંગ ખાતે બેઠક મળશે. સેક્ટર-17 ખાતે બનેલા ઈન્ટીગ્રેડેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આ બેઠક મળશે, જેમાં 53 કરોડના વિવિધ કામો અંગે નિર્ણય લેવામાં આવશે. મનપા વિસ્તારમાં આરોગ્યની સુવિધાની વાત કરીએ તો પેથાપુર અને વાવોલ ખાતે નવા પીએચસી સેન્ટર બનવવા 5.43 કરોડના ખર્ચે કામ સોંપવા અંગે આજે નિર્ણય લેવાશે.
આ ઉપરાંત કુડાસણ ખાતે નવું પીએચસી સેન્ટર બનાવવા જ્યારે સુઘડ ખાતે હયાત આરોગ્ય કેન્દ્રને રિનોવેશન કરવાના બંને કામ માટે 4.04 કરોડનું ટેન્ડર મંજૂર કરાશે. બીજી તરફ બોરીજ ગામે 2.95 કરોડના ખર્ચે સીસી રોડની કામગીરી અંગે નિર્ણય લેવાશે. સેક્ટર-24 શાકમાર્કેટમાં 35.51 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવા અંગે મંજૂરી અપાશે. જ્યારે જનભાગીદારથી પેથાપુરમાં બાલાજી વિહાર સોસાયટી ખાતે પેવરબ્લોક નાખવા 5.69 લાખ, વાવોલ શાલીન-2 સોસાયટી ખાતે પેવરબ્લોક નાખવા 13.41 લાખની મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી ગ્રાન્ટ મેળવવા ભલામણ કરવા અંગે નિર્ણય લેવાશે.
દબાણ શાખાની કામગીરી માટે 3 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારે 2022-23માં 1 કરોડની પુરક ગ્રાન્ટ ફાળવવા અંગે નિર્ણય લેવાશે. બીજી તરફ ચૂંટણી શાખા માટે 50 લાખની જોગવાઈ કરેલ છે, જેમાં વધારાની 1.71 કરોડની ગ્રાન્ટની જોગવાઈ અંગે નિર્ણય લેવાશે. નવા વિસ્તારમાં યોજાતા વિવિધ કાર્યક્રમોને ધ્યાને રાખીને ટાઉન હોલનું નિર્માણ થશે. જેમાં ટીપી-4 (કુડાસણ-રાંદેસણ) વિસ્તારમાં 16.53 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવવા અંગે આજે નિર્ણય લેવાશે.
બીજી તરફ વાવોલ, કોલવડા, પેથાપુર ખાતે આવેલા આવેલા કોમ્યુનિટી હોલના રિનોવેશન માટે 6.49 કરોડનું ટેન્ડર આજે અપાય તેમ છે. આ સાથે શહેરમાં 5.40 કરોડના ખર્ચે શેલ્ટર હોમ તૈયાર કરાશે. ગાંધીનગર કોર્પોરેશનમાં નવા કોર્પોરેટર્સ ચૂંટાયા તે વાત પણ 5 ઓક્ટોબરે 1 વર્ષ પૂર્ણ થશે. કોર્પોરેટર્સના બજેટમાં 25 કામો નક્કી કરાયા છે, જેને પણ સ્થાયી સમિતિએ 28 ડિસેમ્બર 2021માં મંજૂરી આપી દીધી હતી.
મંજૂર મળ્યાને પણ 8 મહિના ઉપર થવા છતાં હજુ સુધી કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી કોઈ વસ્તુઓ નાગરિકોને મળી નથી. ત્યારે આજની સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી 1.37 કરોડના ખર્ચે 25 હજાર જેટલી ખુરશી તથા 1.55 કરોડના ખર્ચે 25 હજાર ટ્રી ગાર્ડ લેવા અંગે નિર્ણય લેવાશે.
4 કરોડથી વધુના ખર્ચે નવા વિસ્તારની 14 આંગણવાડીનું રિનોવેશન થશે
સ્થાયી સમિતિની બેઠકમાં આજે નવા વિસ્તારની આંગણવાડીઓના રિનોવેશનની કામગીરી અંગે પણ નિર્ણય લેવાશે. જેમાં 2.08 કરોડના ખર્ચે ભાટ, ઝુંડાલ, અમિયાપુર, ખોરજ, કોબા, નભોઈ, કોટેશ્વર, સુઘડ ખાતે જ્યારે 2.05 કરોડના ખર્ચે પોર, અંબાપુર, સરગાસણ, કુડાસણ, રાંદેસણ, રાયસણ ખાતે આવેલી આંગણવાડીઓના રિનોવેશનની કામગીરી સોંપવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments