વડાપ્રધાન મોદીએ ‘અટલ’ ફૂટઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું
Prime Minister Modi e-launched the 'Atal' footover bridge
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સાથે 2 કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. પીએમ મોદી 2:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને 5:35 વાગ્યે એરપોર્ટ સુધી રોકાયા હતા. ત્યારબાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે રેંટિયો કાંત્યો હતો. ખાદી ઉત્સવ બાદ અટલ ફૂટબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા અટલ ફૂટ બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. પૂર્વ અને પશ્ચિમને જોડતો આ પહેલો ફૂટ બ્રિજ છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર કરાયેલા આ બ્રિજની લંબાઈ 300 મીટરની છે.
પશ્ચિમ તરફે મલ્ટિલેવલ પાર્કિંગ-ફલાવર પાર્ક અને ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝાથી આ બ્રિજ બનાવાયો છે. આ બ્રિજ એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી એક અજાયબી છે. બ્રિજનું નામ અટલ બ્રિજ છે. 74 કરોડના ખર્ચે બ્રિજ ત્રણ મહિના પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યો હતો.
કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો
સાબરમતી નદી પર હવે અટલ ફૂટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પિકનિક અને સાઈક્લિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે. અહીં ફૂડ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઊભાં કરાયાં છે. એટલું જ નહીં, ફૂટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ફ્લોર પરથી નદી જોઈ શકશે.
અટલ બ્રિજ પર ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ
- બ્રિજની કુલ લંબાઈ 300 મીટર છે, જ્યારે વચ્ચેનો સ્પાન 100 મીટર છે.
- છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે.
- નદીના લોઅર તથા અપર પ્રોમિનાડ (ફૂટપાથ) પરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રિજમાં પ્રવેશ કરી શકાશે.
- 2600 ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રિજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
- બ્રિજના વચ્ચેના ભાગે વૂડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
- વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રિજને આગવો લૂક આપે છે, ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ પણ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
6 Comments