કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, સોલા હોસ્પિટલ ખાતે, રુ. 25 કરોડના ખર્ચે દેશનું પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો.
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે, તે દરમિયાન અમતિ શાહ દ્વારા રાજ્યમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્દઘાટન કરવાના ભાગરુપે, આજે અમિત શાહે, અમદાવાદના સોલા હોસ્પિટલ ખાતે, દેશનું પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યું હતો. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ગ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવા માટે આવેલા બાળકોને રિહેબિલિટેશનમાં સ્પીચ થેરાપીની તાકીદે જરૂરિયાત પડતી હોય છે. તેવા સમયે, આ સેવા શરુ થવાથી, ગુજરાતભરમાં વિવિધ જિલ્લાઓમાંથી આવતા તમામ દર્દીઓને આ સેવાનો ભરપૂર લાભ થશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રૂ. ૨૫ લાખના ખર્ચે RBSK, PIU, DEIC તથા ઓડિયોલોજી કૉલેજની મદદથી ટેલિ-રિહેબિલિટેશન માટે અગત્યની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જેથી આવનારા સમયમાં બાળકો સર્જરી બાદ બોલતા અને સાંભળતા પણ થશે.
ટેલિ-રિહેબિલિટેશનની મદદથી હવે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DEIC) ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે. આ સેન્ટરથી વિડિયો કોલિંગ કરીને સાઉન્ડ પ્રુફ અદ્યતન રૂમ્સમાં આવાં બાળકોને થેરાપી આપવામાં આવશે. આ કેન્દ્રો પણ પીડિયાટ્રિક ,ઓડિયોલોજિસ્ટ અને આર.બી.એસ.કે. વર્ક્સ એક સાથે કનેક્ટ થશે. અગાઉ ફક્ત ઓડિયો માધ્યમથી આ સેવા ઉપલ્બધ હતી. હવે આ ટેલી-રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત બનતા વિડિયો કોલિંગના માધ્યમથી સમગ્ર થેરાપી હાથ ધરાશે.
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીના હસ્તે ઓડિયોલોજી કૉલેજના આધુનિકરણનું લોકાર્પણ કરાયું હતું. રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ કોલેજમાં આંતરાષ્ટ્રીય સ્તરના નવા ૭ સાઉન્ડપ્રૂફ રૂમ બનાવવામાં આવ્યા છે.આ સાઉન્ડ પ્રૂફ રૂમના બનવાથી સાંભળવાની, બોલવાની, ચક્કરની તકલીફ તથા જેમને પક્ષઘાત પછી થતી ખોરાક ગળવાની તકલીફ હોય તેવા દર્દીઓ તેમની તપાસણી સાથે થેરાપી રૂપે સારવાર મેળવી શકશે.
તદ્ઉપરાંત સ્ટ્રોક, ગળાનું કેન્સર કે કોઈ અન્ય ચેતાતંત્રની તકલીફના કારણે ખોરાક ગળવાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આધુનિક સાધન વાઇટલ સ્ટીમ્યુલેશન વસાવવામાં આવ્યું છે. આ સાધન ગળાના ખોરાક ગળવાની સ્નાયુને ઉત્તેજિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧માં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા સાથે ૨૦ વિદ્યાર્થીઓની બેઠકોની મંજૂરી સાથે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરાઇ હતી. આ કૉલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો અભ્યાસક્રમ કુલ ૪ વર્ષનો છે,જેમાં ૩ વર્ષ અભ્યાસક્રમ અને ૧ વર્ષ ઈન્ટર્નશીપ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, અમદાવાદ