આજથી 18મી લોકસભાના સત્રની શરુઆત, વિપક્ષ જોરદાર કરી શકે છે વિરોધ
આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્રની શરુઆત થશે. જેમાં સંસદના તમામ નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. અને 3 જુલાઈ સુધી ચાલશે. બે દિવસીય શપથ ગ્રહણ સમારોહ બાદ, લોકસભા અધ્યક્ષની ચૂંટણી જૂનમાં યોજાવાની છે. 26 અને રાષ્ટ્રપતિ મુર્મુ 27 જૂને બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. દસ વર્ષમાં પ્રથમ વખત લોકસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 9 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ લેવાની સાથે જ 18મી લોકસભાનું કામકાજ શરૂ થઈ ગયું. લોકસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે, જે 3 જુલાઈ સુધી ચાલશે.
સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહાતાબ રાષ્ટ્રપતિ ભવન જશે અને શપથ લેશે. આ પછી તેઓ સવારે 11 વાગે લોકસભા પહોંચશે. પ્રથમ બે દિવસે એટલે કે 24 અને 25 જૂને પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવશે. આ પછી 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે.
રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે. તે જ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા-રાજ્યસભાનાં જોઈન્ટ સેશનને સંબોધિત કરશે. આ પછી વડાપ્રધાન મોદી બોલશે. આ પ્રથમ સત્ર છે, તેથી મોદી સરકાર વિશ્વાસ મત પણ પ્રાપ્ત કરશે.
સત્રના છેલ્લા બે દિવસે સરકાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરશે અને બંને ગૃહોમાં ચર્ચા થશે. 10 વર્ષ બાદ પહેલીવાર PM મોદીને જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. વિપક્ષી I.N.D.I.A. બ્લોકના તમામ સાંસદો મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકઠા થશે અને ત્યાંથી એકસાથે ગૃહમાં જશે.
નોંધનીય છે કે, આ સત્રમાં રાજકોટ ગેમ્સ ઝોન આગની ઘટના, NEET પરીક્ષામાં કોભાંડ આરોપ, ત્રણ ફોજદારી કાયદાઓ અને લોકસભા ચૂંટણી પછી શેરબજારમાં થયેલી ગેરરીતિઓના આરોપો પર વિપક્ષ આ વખતે હંગામો મચાવી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.