ગાંધીનગરમાં ઈન્ડિયન રોડ કોંગ્રેસની કૉન્ફરન્સ, ચાર દિવસ ચાલશે રોડ ટેક્નોલોજીનું પ્રદર્શન
સ્ટેટ કેપિટલ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, ચાર દિવસીય ઈન્ડિયન રોડ કોંગ્રેસની કૉન્ફરન્સનું આયોજન ગુજરાત સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા કરાયું છે. ગઈકાલ શુક્રવારે ગુજરાતના આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ઈન્ડિયન રોડ કોંગ્રેસના પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું. અને સ્ટોલની મુલાકાત લઈને પ્રદર્શનમાં ભાગ લેનારી કંપનીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તે દરમિયાન ઈન્ડિયન રોડ કોંગ્રેસ ગુજરાતના પ્રેસિડેન્ટ એસ.બી. વસાવા, રોડ એન્ડ બિલ્ડિંગના સેક્રેટરી એ.કે. પટેલ, એડિશનલ સેક્રેટરી અને નેશનલ હાઈવે વિભાગના ચીફ એન્જીનીયર એચ.સી. મોદી સહિત ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરવિંદ પટેલ અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શન ચાર દિવસ ચાલનારુ છે, જેમાં રોડ, બ્રિજ, રેલ્વે બ્રિજ, હાઈવે સહિત અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના લગતા તમામ ટેક્નિકલ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનથી આપ બ્રિજ અને રોડમાં વપરાતા અલગ અલગ પ્રકારના મટેરીયલ અને ટેક્નોલોજી વિશે ખૂબ સારી માહિતી જાણી શકશો. જેથી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ખાસ કરીને, સિવીલ એન્જીનીયરીંગ અને કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી છે.
આ પ્રસંગે, ઋષિકેશ પટેલે મિડીયાને જણાવ્યું હતું કે, ભારત રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ્ નિર્માણ કરવામાં વિશ્વમાં બીજા ક્રમાંકે છે અને પ્રતિ દિવસે હાલ 50 કિલોમીટર રોડ નિર્માણ પામી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 3 ડિસેમ્બર આવતીકાલે ઈન્ડિયન રોડ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય રોડ-હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી ઉપસ્થિત રહેશે. તેઓ સવારે સાડા દસ વાગે આવશે. જ્યાં તેઓ કોન્ફરન્સમાં રોડ કૉન્ટ્રાક્ટર્સ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર્સ અને ચેરમેન સહિત કન્સ્ટ્રક્શન અને રોડ સેક્ટરના તમામ બિઝનેસમેનોને સંબોધિત કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.