NEWSUrban Development

હાઉસિંગ સોસાયટીઓના બાકી ઓડિટ માટે ત્રણ માસનો ઓડિટ કેમ્પ યોજાશે

A three-month audit camp will be held for the pending audit of housing societies

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હજારો હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ એવી છે જેનું ઓડિટ વર્ષોથી બાકી છે. આવી સોસાયટીઓનું ઓડિટ સત્વરે પૂર્ણ થાય તે માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસિંગ) દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધી ઓડિટ કેમ્પ યોજવાનું આયોજન કરાયું છે.

કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ તથા કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીઓએ ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961ની કલમ 84(1) હેઠળ ઓડિટ કરાવવું ફરજિયાત હોય છે. પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓડિટરની જગ્યાઓ ખૂબ જ ખાલી હોવાના કારણે સોસાયટીઓનું ઓડિટ સમયસર થતું નથી. પરિણામે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની હજારો હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓનું ઓડિટ છેલ્લા ઘણા વર્ષોથી બાકી છે.

ઓડિટર ન હોવાથી સોસાયટીઓ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ, હાઉસિંગ)માં ધક્કા ખાઈ-ખાઈને થાકી ગઈ છે પરંતુ તેમનું ઓડિટ થતું નથી. આ ફરિયાદ સર્વવ્યાપી બનતાં અંતે અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી જાગી છે અને બાકી ઓડિટ પૂરું થાય તે માટે ઓડિટ કેમ્પનું આયોજન કરાયું છે. આગામી સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર માસ સુધી ઓડિટ કેમ્પ યોજાશે. જે હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓનું તા.31/3/22 સુધીના સમયનું વૈધાનિક ઓડિટ બાકી હશે તેવી તમામ સોસાયટીના હોદ્દેદારોએ છેવટ સુધીનું રેકર્ડ કે દફ્તર તૈયાર કરી કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

કેમ્પના 3 માસ દરમિયાન દર મહિનાની છઠ્ઠી તારીખથી આખર તારીખ સુધી કચેરી કામકાજના દિવસો દરમિયાન ઓડિટ પૂર્ણ કરાવી શકાશે. જો ઓડિટ પુરું કરવામાં કોઈ સોસાયટી કસૂરવાર ઠરશે તો તેમની સામે સહકારી કાયદાની કલમો હેઠળ આગળ ઉપરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઓડિટ કેમ્પ સંબંધિત કોઈ પૂછપરછ કરવી હોય તો તેના માટે કચેરી દ્વારા મોબાઇલ નંબર 94081 98075 પર સંપર્ક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ હાઉસિંગ સોસાયટી બનાવવાની અને તેને નિભાવવાની સમસ્યા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છે. દર વર્ષે સેંકડો નવી સ્કીમો બની રહી છે. અને જે સ્કીમો બને તેમાં હાઉસિંગ સોસાયટીઓ કે હાઉસિંગ સર્વિસ સોસાયટીઓની રચના ફરજિયાત છે. પરંતુ સામાપક્ષે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓડિટરો પુરતા ન હોવાના કારણે સોસાયટીઓના ઓડિટ સમયસર થઈ શકતા ન હોવાથી આ ઓડિટ કેમ્પ સ્વરૂપે લોકદરબાર યોજવાની ફરજ પડી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close