શિલજ અને ભાડજ વચ્ચે આવેલું નાંદોલી ગામને અમદાવાદ કોર્પોરેશનમાં સમાવેશ કરાશે
Nandoli village situated between Shilaj and Bhadaj will be included in Ahmedabad Corporation
હજુ બે વર્ષ અગાઉ જ અમદાવાદની હદ વધારવાને મંજૂરી મળી હતી. હવે ફરીથી અમદાવાદનો એરિયા વિસ્તારવામાં આવશે અને તેમાં એક ગામનો સમાવેશ થશે. શહેરના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું છે જ્યારે બે વર્ષના ટૂંકા ગાળામાં તેનો એરિયા વિસ્તરી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાંદોલી ગામને મ્યુનિસિપલ હદમાં લાવવામાં આવશે.
ઝડપી શહેરીકરણના મામલે અમદાવાદ (Ahmedabad City) તમામ મોટા શહેરોને ટક્કર આપી રહ્યું છે. હજુ બે વર્ષ અગાઉ જ અમદાવાદની હદ વધારવાને મંજૂરી મળી હતી. હવે ફરીથી અમદાવાદનો એરિયા વિસ્તારવામાં આવશે અને તેમાં એક ગામનો સમાવેશ થશે. શહેરના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું છે જ્યારે બે વર્ષના ટૂંકા ગાળામાં તેનો એરિયા વિસ્તરી રહ્યો છે. છેલ્લે જૂન 2020માં અમદાવાદની હદ વિસ્તારવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે ફંડની અછત છે. પરંતુ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાંદોલી ગામને મ્યુનિસિપલ હદમાં લાવવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે 2020ની વિસ્તરણ યોજનામાં આ ગામનો ઉલ્લેખ પણ નથી. નાંદોલીને કોર્પોરેશનની હદમાં સમાવવાનું આશ્ચર્યજનક છે કારણ કે અહીં માત્ર એક બંગલો સ્કીમ છે. બાકીનો બધો વિસ્તાર ખેતીવાડી આધારિત છે. નાંદોલીને અમદાવાદની લિમિટમાં સમાવવાનો નિર્ણય ઔડા દ્વારા ગુરુવારે લેવાયો હતો. જૂન 2020માં અમદાવાદનો એરિયા 464 ચોરસ કિમીથી વધારીને 480 કિમી કરવામાં આવ્યો હતો. તે સમયે બોપલ-ઘુમા મ્યુનિસિપાલિટી, કઠવાડા અને નાના ચિલોડા ગ્રામ પંચાયતના એરિયાને સંપૂર્ણપણે સમાવી લેવાયો હતો.
અમદાવાદની બહારની લિમિટ અને એસપી રિંગ રોડ વચ્ચે આવેલા સનાથલ, બિલાસપુર, અસલાલી અને બિલાસિયાના 150 સરવે નંબર શહેરમાં આવરી લેવાયા હતા. બોપલ-ઘુમા મ્યુનિસિપાલિટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વોર્ડ – સરખેજ, જોધપુર, બોડકદેવ અને થલતેજમાં વહેંચી દેવાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2020માં માંગણી કરી હતી કે ઝુંડાલ, ખોરજ, અમિયાપુર, સુઘડ અને કોટેશ્વરને પણ શહેરની હદમાં સમાવી લેવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે તેમને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં સમાવ્યા હતા.
હવે જે નાંદોલી ગામને અમદાવાદ કોર્પોરેશનમાં સમાવવાનું છે તે ભાડજ અને શીલજ એરિયા વચ્ચે આવેલું છે. ઔડાના અધિકારીઓ મુજબ આ ગામમાં 375 સરવે નંબર છે. ઔડાના સીઈઓ દેવાંગ દેસાઈએ જણાવ્યું કે નાંદોલી ગામ શીલજ અને ભાડજ નજીક આવેલું છે, પરંતુ તે અમદાવાદ સિટીની લિમિટમાં નથી. તેથી થોડા મહિના અગાઉ આ ગામને પણ શહેરની હદમાં સમાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ અંગે અંતિમ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. નાંદોલી ગામ અમદાવાદ શહેરની હદની નજીક આવેલું હોવાથી એએમસીએ જણાવ્યું કે તેને મ્યુનિસિપલ લાભો મળવા જોઈએ અને તેને શહેરની અંદર ભેળવી દેવું જોઈએ. ઔડા દ્વારા આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
6 Comments