અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર રિઝર્વ પ્લોટમાં TP રોડ ખુલ્લો કરાયો
TP Road opened in reserve plot on Science City Road in Ahmedabad
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર- પશ્ચિમ ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા સાયન્સ સિટી રોડ વિસ્તારમાં શુકન મોલ પાસે AMCના રીઝર્વ પ્લોટમાં ઓપરેશનન ડીમોલિશન’ હાથ ધરીને 50 જેટલા પાકાં રહેણાંક અને કાચા-પાકા 12 મકાન તેમજ 3 કોમર્શિયલ સહિત કુલ 65 જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કરીને ટી. પી. રોડ ખુલ્લો કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના હુકમનો અમલ કરીને સરદાર આવાસ યોજનાની ઝૂંપડપટ્ટી દૂર કરવાની કામગીરી હાથ ધરીને 30 મીટર પહોળા અને 200 મીટર લંબાઈ ધરાવતો રસ્તો ખુલ્લો કરાયો છે. આ રસ્તો ખુલ્લો થવાને પરિણામે હવે 1,600 ડાયા મીટરની ડ્રેનેજ લાઈન નાંખી શકાશે અને તેના લીધે જગતપુર, ત્રાગડ, ગોદરેજ ગાર્ડન સિટી સહિતના આસપાસના વિકસિત અને વિકાસ પામતા વિસ્તારોમાં લગભગ 30 ચો. કી.ના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારોમાં અંદાજે 7 લાખ નાગરિકોને ડ્રેનેજની સુવિધા પૂરી પાડી શકાશે તેમજ સાયન્સ સિટી વિસ્તારને એસ.જી. હાઇવેને સમાંતર વધુ એક ટી.પી. રોડ અવર જવર માટે ઉપલબ્ધ બનશે.
ગોતા વોર્ડમાં ટી. પી.સ્કીમ નં.- 42 (સોલા-થલતેજ) માં ઓફ સાયન્સ સિટી રોડ, હેતાર્થ પાર્ટી પ્લોટવાળા ખાંચામાં ટી. પી.સ્કીમ નં.- 41 (સોલા- હેબતપુર) અને ટી. પી. સ્કીમ નં.- 42 (સોલા-થલતેજ) ની હદમાંથી પસાર થતા 30 મીટરના ટી. પી. રસ્તાની કપાતમાં આવતા રહેણાંક અને કોમર્શિયલ ગેરકાયદે બાંધકામો દૂર કરાયા છે. હાઈકોર્ટના આદેશને પગલે પોલીસ બંદોબસ્ત સાથે 6 જે.સી.બી. મશીન, 50 મજૂરો સહિત સાધન સામગ્રીની મદદથી ઓપરેશન ડીમોલીશન હાથ ધરાયું હતું. આગામી દિવસોમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ જારી રખાશે. મ્યુનિ. દ્વારા આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પ્લોટની ફાળવણી કરાઈ છે અને અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણની સુવિધા પૂરી પડાઇ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
4 Comments