PM મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
PM Modi inaugurates Deoghar Airport in Jharkhand

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને કોલકાતા માટે ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે દેવઘરને ઝારખંડના વિકાસને વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. 16 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતી વખતે તેમણે કહ્યું કે આનાથી ઝારખંડના વિકાસને વેગ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે દેવઘર એરપોર્ટનું સપનું લાંબા સમયથી જોવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી ઝારખંડના લાખો લોકોનું જીવન સરળ બનશે. વેપાર અને રોજગારની નવી તકો પણ ખુલશે.

400 થી વધુ નવા રૂટ પર હવાઈ સુવિધા
વડાપ્રધાને કહ્યું કે આજે સરકારના પ્રયાસોના ફાયદા આખા દેશમાં દેખાઈ રહ્યા છે. UDAN યોજના હેઠળ છેલ્લા 5-6 વર્ષોમાં એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ દ્વારા લગભગ 70 નવા સ્થળોને ઉમેરવામાં આવ્યા છે. આજે સામાન્ય નાગરિકોને 400 થી વધુ નવા રૂટ પર હવાઈ મુસાફરીની સુવિધા મળી રહી છે.

રાજ્યોના વિકાસથી જ દેશનો વિકાસ થાય છે
વડાપ્રધાને કહ્યું કે રાજ્યોના વિકાસથી જ રાષ્ટ્રનો વિકાસ થાય છે. દેશ છેલ્લા 8 વર્ષથી આ વિચાર સાથે જ કામ કરી રહ્યા છીએ. છેલ્લા 8 વર્ષમાં ઝારખંડને હાઇવે, રેલ્વે, એરવેઝ, વોટરવેઝ જેવી દરેક રીતે જોડવાના પ્રયાસમાં એક જ વિચાર, એક જ લાગણી સર્વોપરી રહી છે.
AIIMSમાં 250 બેડનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું
આ પછી, વડાપ્રધાને દેવઘર AIIMSના નવા 250 બેડનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ તેઓ સીધા બાબા વૈદ્યનાથ ધામ મંદિર માટે રવાના થયા હતા. બાબાનાં મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ પીએમ સીધા દેવઘર કોલેજમાં સભા સ્થળ પર ગયા હતા. ત્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ લગભગ એક કલાકનો હતો. બાબા વૈદ્યનાથના દર્શન બાદ મંદિરમાં જ વડાપ્રધાન 22 દેવતાઓની પૂજા કરી હતી.
10,270 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
PMએ 6,565 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના 8 પ્રોજેક્ટ, રેલવેના ત્રણ પ્રોજેક્ટ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો એક પ્રોજેક્ટ સામેલ છે. આ સાથે પીએમએ 10,270 કરોડની અનેક યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
19 Comments