ખારીકટ કેનાલની કાયાપલટ થશેઃ અમદાવાદમાં 1200 કરોડના ખર્ચે 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ ડેવલપ કરાશે
Kharikat canal to be transformed: 142 year old Kharikat canal to be developed in Ahmedabad at a cost of Rs 1200 crore
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલની ગંદકીથી લઇને દુર્ગંધનો પ્રશ્ન હવે આગામી બે વર્ષમાં ઉકેલાઇ જશે. પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી પૂર્વ વિસ્તારની સમસ્યાને કાયમ માટે દૂર કરવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રોજેક્ટ એવો ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધી રૂ. 1200 કરોડના ખર્ચે કેનાલને ડેવલોપ કરવામાં આવશે. ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટ થવાના કારણે પૂર્વ વિસ્તારમાં કેનાલની આસપાસ રહેતા 10 લાખથી વધુ લોકોને વર્ષોથી વરસાદી પાણી બનાવવાની તેમજ ગટરની દુર્ગંધની જે સમસ્યા હતી તે દૂર થશે. રીંગરોડ જેવો એક આખો નવો રોડ પૂર્વ વિસ્તારના લોકોને ઉપયોગ માટે મળશે.
રૂ. 1200 કરોડનો પ્રોજેકટ પાંચ તબક્કામાં પૂર્ણ થશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર માટે સૌથી મોટો પ્રોજેક્ટ તેઓ ખારીકટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાંચ તબક્કામાં આ ખારીકટ કેનાલનો ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. 12.07 કિલોમીટર લાંબી આ ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ માટે 5 અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જેથી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે.
RCC બોક્સથી આખી કેનાલ ઢાંકી ઉપર રોડ બનાવાશે
વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટ માટે છેલ્લા એક વર્ષથી અમારી ટીમ મહેનત કરી રહી હતી અને અલગ-અલગ ડિઝાઇનો તૈયાર કરી હતી. સરકારના સિંચાઈ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા 73.63 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ પાણી વહન કરી શકે તે રીતે નરોડા સ્મશાનથી વિંઝોલ સુધી પ્રિકાસ્ટ બોક્સ કેનાલ અને કેનાલના બંને તરફ આર.સી.સી સ્ટ્રોમ વોટર બોક્સ નાખી અને આખી ખારીકટ કેનાલને ઢાંકી ઉપર રોડ બનાવવામાં આવશે. રૂ.1200 કરોડના પ્રોજેક્ટમાં રૂ. 600 કરોડ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવશે વર્લ્ડ બેંક તરફથી રૂ. 455 કરોડ અને બાકીની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે.
GIDCમાં જોડાણ મેગાલાઇનને બદલવામાં આવશે
કેનાલની આસપાસ આવેલી સોસાયટીઓના કેટલાક ગટર કનેકશન જે છે તેને મુખ્ય ડ્રેનેજ પાઈપ લાઈનમાં જોડી દેવામાં આવશે. જે તે સોસાયટીના જુના જોડાણો છે તેને મુખ્ય પાઇપલાઇનમાં જોડી અને ડ્રેનેજની સમસ્યા દૂર થશે. જ્યારે જે પણ ફેક્ટરીઓ અને કંપનીઓના કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડવામાં આવતા હતા તે મેગાલાઈનને લઈને કરવામાં આવશે. ખારીકટ કેનાલ ઉપર 11 જેટલા નાના બ્રિજ આવેલા છે જેને તે જ સ્થિતિમાં રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા કેનાલ ઉપર રોડ અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે.
આ પ્રશ્નોનો આવશે ઉકેલા
- કેનાલની જગ્યાએ શહેરને ખાસ જરૂરી એવી અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર લાઇનની તેમજ ડ્રેનેજ લાઇનની કનેક્ટીવીટી કરી શકાય તેમ છે, તેમજ કેનાલની આજુબાજુની જમીનને લેવલે લાવી રોડ નેટવર્ક પણ ઉભું કરી શકાશે.
- કેનાલની આજુબાજુની સોસાયટીઓ કેનાલથી નિચાણમાં હોવાથી નીચાણવાળી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાશે.
- કેનાલ નરોડા, નોબલનગર, ઓઢવ, નિકોલ, ક્રિશ્નાનગર, ઠક્કરબાપાનગર, વિરાટનગર, અબુદાનગર, ઇન્દ્રપુરી જેવા વોર્ડમાંથી પસાર થાય છે. જેથી આ વોર્ડમાં કેનાલની આસપાસની સોસાયટીઓ નીચાણમાં હોવાથી હયાત ડ્રેનેજ લાઇનનાં લેવલની સાપેક્ષમાં જોડાણ કરી શકાતુ નથી જેથી ડ્રેનેજ ઓવરફલોની સમસ્યા વધુ રહે છે. જેનો મહદ્ અંશે નિકાલ કરી શકાશે.
- કેનાલની મોટી જગ્યાનો ઉપયોગ સુએજ લાઇન, સ્ટોર્મ વોટર લાઇન અને રોડ નેટવર્ક નાંખી કેનાલની આજુબાજુના રહેણાંકોને નડતા સુએજના ઉભરાવાના, કેનાલમાં થતી ગંદકીના તેમજ વરસાદી પાણીના નિકાલમાં થતાં વિલંબના પ્રશ્નો હલ કરી શકાશે.
- ગીચ વિસ્તારમાં રોડ નેટવર્ક ઉભું કરી શકાશે. જેનાથી સમગ્ર પૂર્વ અમદાવાદના વિકાસને નવા શિખરે લઇ જઇ શકાશે. રોડ બનાવવાથી કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વધશે.
ખારીકટ કેનાલ નવીનીકરણ આ મુખ્ય ભાગોમાં કરવામાં આવશે
- સિંચાઇ માટે પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્ષની કેનાલ, વરસાદી પાણીનાં વહન માટે આર.સી.સી.સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોક્ષ અને રોડ બનાવવાનું કામ ગુજરાત સરકારનાં સિંચાઇ વિભાગનાં માપદંડ મુજબ 73.63 ક્યુબીક મીટર પ્રતિ સેકન્ડ પાણી વહન કરી શકે તેવી નરોડા સ્મશાનથી વિંઝોલ સુધીની પ્રિકાસ્ટ આર.સી.સી.બોક્ષની કેનાલ અને કેનાલના બંને બાજુ આર.સી.સી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બોક્ષ નાંખવામાં આવશે.
- રાત્રી દરમિયાન જરુરી પ્રકાશ મળી રહે તેવી રીતે કેનાલનાં રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે.
- કેનાલને બંને કાંઠે જરુરીયાત મુજબની પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવશે.
- કેનાલને બંને કાંઠે જરુરીયાત મુજબની વહન ક્ષમતાવાળી ડ્રેનેજની લાઇન નાંખવામાં આવશે.
- વરસાદી પાણીનાં વહન માટે સ્ટ્રોમ વોટર ની તથા યુટીલીટી ક્રોસીંગ પાઈપ એક્ષટેન્સન કરવામાં આવશે
- કેનાલની અંદર આવતી મેઘા લાઇનને શીફટીંગ કરી પાઇપ લાઇન નાખવામાં આવશે.
- કેનાલની બંને બાજુની ટ્રાન્સપોર્ટ કનેક્ટીવિટી વધારવા કેનાલની ઉપર 30 મીટરનો ડામર રોડ બનાવવામાં આવશે. જેથી કેનાલની આજુબાજુમાં રહેતાં રહેવાસીઓને રોડની સુવિધા મળશે અને મુખ્ય રોડ ઉપર ટ્રાફીકનું ભારણ ઘટશે.
બાંધકામની પદ્ધતિ શું હશે?
- જી.આઇ.ડી.સી. મેગા લાઇન જેવી લાઇનોનું શીફટીંગ પ્રથમ કરવામાં આવશે.
- ડાઉન સ્ટ્રીમથી અપ સ્ટ્રીમ તરફ કેનાલ વિભાગ અને વરસાદી પાણીનું કામ કરવા માટે જેમજેમ કામ કરવાનો સમયગાળો ઉપલબ્ધ થશે. તેમ તેમ કરવામાં આવશે.
- કેનાલ વિભાગ અને વરસાદી પાણીનું કામ પૂર્ણ થયા બાદ બીજી યુટીલીટી અને રોડની કામગીરી તથા સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.
ક્યાં પાંચ તબક્કામાં કામ થશે
(1) ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ, નરોડા સ્મશાન ગૃહ થી(ચેઇનેજ 0 – ચેઇનેજ 2500) રકમ રૂ. 235 કરોડ (2) ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ 2500 – ચેઇનેજ 5000) રકમ રૂ. 230 કરોડ (3) ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ 5000 – ચેઇનેજ 7600) ૨કમ રૂ. 241 કરોડ (4) ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ 7600 – ચેઇનેજ 10050) રકમ રૂ.232 કરોડ (5)ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ (ચેઇનેજ 10050 – ચેઇનેજ 12750) ૨કમ રૂ. 254 કરોડ
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments