મહેસાણામાં 175 કરોડના ખર્ચે કોર્પોરેટ જેવી સાત માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે
A new seven-storey civil hospital will be built in Mehsana at a cost of Rs 175 crore

69 વર્ષ પૂર્વે બનેલી મહેસાણા સિવિલ હોસ્પિટલનું મકાન અત્યંત જર્જરિત થઇ જતાં રાજ્ય સરકાર દ્વારા 175 કરોડના ખર્ચે હાલની જગ્યામાં જૂની હોસ્પિટલ જમીનદોસ્ત કરી 7 માળની બે ટાવર ધરાવતી નવી સિવિલ હોસ્પિટલ ઉભી કરવામાં આવનાર છે. તંત્ર દ્વારા જૂની હોસ્પિટલ તોડી નવી હોસ્પિટલ બનાવવા ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મહેસાણા જિલ્લાની પ્રજાને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે 1963માં હેડ કવાટર મહેસાણા ખાતે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું. 69 વર્ષ પછી સિવિલ હોસ્પિટલનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓને બાજુમાં આવેલ માનસિક રોગોની હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર સહિતના વિભાગોમાં ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઇ રહી છે અને જૂની બિલ્ડિંગમાં માત્ર વહિવટી સ્ટાફ અને ઓપીડીની કામગીરી ચાલુ રખાઇ છે.
બીજી તરફ, રાજ્ય સરકાર દ્વારા 175 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર સાથે 7 માળની બે ટાવર ધરાવતી કોર્પોરેટ હોસ્પિટલ જેવી જ નવી સિવિલ હોસ્પિટલ બનાવાશે. બે ટાવરની આ હોસ્પિટલમાં 409 બેડની સુવિધા ઉભી કરાશે. 7 માળના બે ટાવરમાં દરેક માળ પર અદ્યતન સુવિધા ધરાવતા અલગ અલગ વોર્ડ બનાવાશે અને બંને ટાવરમાં જવા ઇન્ટર કનેક્ટીવિટી પણ ઉભી કરાશે. સરકાર અને તંત્ર દ્વારા હાલનું બિલ્ડીંગ તોડી પાડવા દરખાસ્ત કરી નવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
44920 ચો.મી.ના કન્સ્ટ્રકશન વિસ્તારમાં બનનારી સિવિલ માટે સરકાર દ્વારા હાલના તબક્કે રૂ.198 કરોડની તાંત્રિક મંજૂરી અપાઇ છે. નવી સિવિલમાં બાંધકામના રૂ.175 કરોડ ખર્ચ સિવાય બંને ટાવરના મકાનમાં સાતેય માળ પર ફર્નિચર બનાવવાનો ખર્ચ સરકાર દ્વારા રૂ.11 કરોડ મૂકાયો છે. જૂની હોસ્પિટલને તોડી નવી હોસ્પિટલ બને નહીં ત્યાં સુધી દર્દીઓને હાલાકી ન પડે તે માટે પૂરક વ્યવસ્થા કરી ઓપીડી,દર્દીઓની સારવાર ચાલુ રખાશે.
સિવિલમાં કયા માળે કઈ સુવિધા હશે તેની સંપૂર્ણ વિગત
ગ્રાઉન્ડ ફ્લોર : દર્દીઓની ઓપીડી, રેડિયોલોજી અને મેડિકલ સ્ટોર.
પહેલો માળ : ગાયનેક ઓપીડી, લેબર ઓટી, એનઆઇસીયુ અને પીઆઇસીયુ બાળકોનો વિભાગ તેમજ ડ્રગ્સ સ્ટોર (દવાઓ સંગ્રહ કરવાની જગ્યા) લોન્ડ્રી
બીજો માળ : લેબોરેટરી બ્લડ બેન્ક ફિઝિયોથેરાપી સેન્ટર,ઇએનટી ઓપીડી તથા ઓફિસ મેનેજમેન્ટ
ત્રીજો માળ : ઓપરેશન થિયેટર, આઈસીયુ વોર્ડ, આયુર્વેદિક ઓપીડી, પંચકર્મ યુનિટ
ચોથો માળ : પુરુષ અને સ્ત્રીનો મેડિકલ અને સર્જીકલ વોર્ડ, સર્વરરૂમ અને કુલિંગ ટાવર
પાંચમો માળ : પીડિયાટ્રીક વોર્ડ, આંખનો વોર્ડ, પુરુષ અને સ્ત્રીનો ઓર્થોપેડિક વોર્ડ અને રેનબસેરા
છઠ્ઠો માળ : ટીબી વોર્ડ, આઇસોલેશન વોર્ડ, પ્રિઝલન વોર્ડ અને એચઆઈવી વોર્ડ
સાતમો માળ : ઇએનટી વોર્ડ, કુપોષિત બાળકોનો દાખલ કરવાનો વોર્ડ અને વીવીઆઈપી રૂમ, ડાયટેશિયન કાઉન્સિલ અને જનરલ કેન્ટીન
ધારાસભ્ય કે સાંસદ જેવા વીવીઆઈપી માટે સ્પેશિયલ રૂમ બનાવાશે
આમ તો સામાન્ય રીતે પ્રજાએ ચૂંટેલા ધારાસભ્ય કે સંસદ સભ્ય જેવા નેતાઓ ભાગ્યે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. પરંતુ નવી બનનારી આ સિવિલમાં જો કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય સહિતના વીવીઆઈપીને દાખલ કરાય તો તેમના માટે 7મા માળે અલગ સ્પેશિયલ રૂમ બનશે.
3 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલનું પોતાનું સબ સ્ટેશન બનાવાશે
નવી સિવિલ હોસ્પિટલમાં 3 કરોડના ખર્ચે હોસ્પિટલનું પોતાનું જ વીજ સબ સ્ટેશન બનાવવામાં આવશે. આ સિવાય ફાયર સિસ્ટમ, સાઈટ ડેવલપમેન્ટ, કમ્પાઉન્ડ વોલ, પ્લમ્બિંગ, વોટર સપ્લાય અને નર્સ કોલિંગ તેમજ બંને ટાવરમાં સાતેય માળ ઉપર નીચે આવવા જવા બંને ટાવર પૈકી પ્રથમ ટાવરમાં 6 અને બીજા ટાવરમાં 3 મળી કુલ 9 લિફ્ટ સહિતની સુવિધા ઊભી કરાશે.
સિવિલમાં દાખલ દર્દીઓના સંબંધીઓને રહેવા માટે રેનબસેરા
મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને રહેવા માટે સૌપ્રથમવાર આ નવીન હોસ્પિટલના પાંચમાં માળે રેનબસેરા ઊભું કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
18 Comments