PM મોદીએ નવસારીમાં રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત
PM Modi lays foundation stone of cost at Rs 542 crore government medical college and hospital
વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેમના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થયુ છે. જેમાં પાણી પૂરવઠા આરોગ્ય સેવાઓ માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ 3050 કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને અંદાજીત 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. નવસારી ખાતે અંદાજિત રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાને ભૂમિપૂજન કર્યું છે.
65 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે. જેના ભાગરૂપે નવસારીમાં મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મેડિક્લ કૉલેજ અને હોસ્પિટલ થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે. અંદાજિત 1.50 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામો જેમાં 23 હજાર સ્ક્વેર મીટરમાં મેડિકલ કૉલેજ જ્યારે 65 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે.
મેડિકલ કૉલેજમાં 4 લેક્ચર થિયેટર હશે
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કૉલેજમાં 4 લેક્ચર થિયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડીજીટલ સેવાઓથી સજ્જ હશે જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડીજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટ્સની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટ્સ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટ્સ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેડિકલ કૉલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા 330 કેપેસિટીની બોય્સ અને 330 કેપેસિટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે. કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં 450 પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા 511 થશે. જેમાં 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથેના કુલ 8 ઓપરેશન થિયેટર કાર્યરત થશે. ઓ.પી.ડી. ક્લિનીક સેવાઓ ઉપલબ્ધ થશે.
વર્ષ 2002 પહેલા ગુજરાતમાં ફક્ત 8 મેડિકલ કૉલેજ હતી
આ ઉપરાંત નવીન હોસ્પિટલ સંપૂર્ણપણે સી.સી.ટી.વી. સુવિધાથી સજ્જ, અલાયદુ ઇમરજન્સી કેર સેન્ટર, સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવાઓ અને સુવિધાઓ નવીન હોસ્પિટલમાં કાર્યરત થનાર છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002 પહેલા ગુજરાતમાં ફક્ત 8 મેડિકલ કૉલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિધાર્થીઓને ગુજરાત અને દેશબહાર શિક્ષણાર્થે જવું પડતુ. જો કે, વડાપ્રધાનની દિર્ઘદ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં 31 જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજ કાર્યરત બની છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા(નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કૉલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કૉલેજ દીઠ 100 બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ. 2250 કરોડનું આયોજન હાથ ધરાયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
6 Comments