GovernmentGovtNEWSPROJECTSUrban Development

મુખ્યમંત્રી દ્વારા 118 કરોડના વીજ સ્ટેશનનું ભૂમિપૂજન, બસ પોર્ટનું લોકાર્પણ

Lay Foundation of 118 crore power station, inauguration of bus port by the Chief Minister

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, પાલનપુરમાં 29,700 ચોરસ મીટર વિસ્તારમાં 37.82 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને 118 કરોડના ખર્ચે નિર્માંણ થનારા સીસરાણા 220 કે.વી. સબ-સ્ટેશનનું ઈ-ભૂમિપૂજન કર્યું હતું. 118 કરોડના ખર્ચે બનનારૂ સીસરાણા સબ-સ્ટેશન બનાસકાંઠા જીલ્લાના 24 હજાર ખેડૂતો સહિત કુલ 1 લાખ 20 હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પૂરો પાડવામાં ઉપયોગી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યમંત્રી કિર્તીસિંહજી, સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ભરતસિંહ ડાભી, પરબતભાઈ પટેલ, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિકાસ કામોના લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા રાજ્યમાં આવા અધતન સુવિધા સભર 7 આઇકોનિક બસ પોર્ટ પી.પી.પી ધોરણે નિર્માણ થઇને પેસેન્જર સેવામાં કાર્યરત છે, અને 10 સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે. વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે.

ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનના માર્ગદર્શનમાં કર્યા છે. એમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનાં નિર્ધાર 8 વર્ષોના તેમના સુશાસનમાં પાર પડ્યો છે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતા પૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી. નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતા કહ્યું કે, 23 હજાર બસ દ્વારા 6.99 લાખ મુસાફરોને લાભ આપનારા એસ.ટી. ના આ સેવકો અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.

1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી 2002 સુધીમાં 702 વીજ સબ-સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં 1549 નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે એટલે કે દર વર્ષે એવરેજ 78 વીજ સબ-સ્ટેશન નિર્માણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતને પરિવહન અને ઊર્જા એમ બંને ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. આ અવસરે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close