રાજકોટ સ્માર્ટસિટીમાં બનશે રાજ્યનો પહેલો સિક્સલેન સિટી રોડ
Rajkot Smart City will be the first sixlane city road in the state
રાજકોટ પણ હવે ગુજરાતનું ગૌરવવંતુ સ્માર્ટસિટી બન્યું છે, ત્યારે હવે અહીં રાજ્યનો પ્રથમ સિક્સલેન સિટી રોડ બની રહ્યો છે. રાજકોટ શહેરને વધુ એક નવલા નજરાણાની ભેટ કાલાવડ રોડ પર મળશે, જે શહેરનો હાર્દસમો વિસ્તાર છે. કેકેવી હોલથી આગળ મોટામવા સ્મશાન અને ત્યાંથી અવધ રોડ સુધી 5 કિમીના રોડને 45 મીટર પહોળો કરી સિક્સલેન બનાવવાનું આયોજન છે, જેમાં 120 મિલકત કપાતમાં આવતાં તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વાંધા અરજી સામે ફરી હિયરિંગ થશે. હાલ આ રોડ 30 મીટરનો છે, એને જ 15 મીટર વધુ પહોળો કરાશે.
કાલાવડ રોડની ગૌરવપથ તરીકે ઓળખ
આ અંગે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના હાર્દસમા અને ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. આનાથી લોકોને અગવડ ન પડે એ માટે અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર છે, જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.
ડબલ ડેકર ઓવરબ્રિજનું કામ પુરજોશમાં
ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે હાલ કેકેવી હોલ ખાતે બ્રિજ ઉપર બ્રિજની કામગીરી સમયસર પૂર્ણ કરવા કોન્ટ્રક્ટરને સૂચના અપાઈ છે. આ બ્રિજ બનવાથી પણ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ડબલ ડેકર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ રાજકોટના કાલાવડ રોડને પહોળો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે કપાત મિલકતધારકોને નોટિસ પણ આપવામાં આવી છે અને વાંધા અરજી માટે સમય પણ આપવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments