ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત, અઢી વર્ષમાં થશે પૂર્ણ
Union Home Minister Amit Shah lays foundation stone of Olympic-level sports centre in Ahmedabad's Naranpura, The complex will be completed in coming two and half years.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં આકાર પામનાર ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ 20.39 એકર જમીન પર કરવામાં આવશે. અને તેની પાછળ 631 કરોડથી પણ વધારે રકમનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ કોમ્પલેક્ષને 6 ભાગોમાં વહેંચવામાં આવશે, જેમાં એક્વાટિક કોમ્પલેક્ષથી લઈને ઈન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના સહિતના ભાગોનો સમાવેશ થશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા હશે, જ્યારે 300 લોકો રહી શકે તેવી પણ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.


અમિત શાહે ખાતમુહૂર્ત બાદ જણાવ્યું હતું કે, 2019માં મારી નજર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ માટેની ખાલી જગ્યા પર પડી હતી, જે બાદ મેં પીએમ મોદીને 500 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. પીએમ મોદીએ તરત જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી હતી. આ ઉપરાંત અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની જે શાળાઓમાં ગ્રાઉન્ડ નથી, તે શાળાઓ બાળકોને પીટી ક્લાસ માટે અહીં લઈને આવી શકશે. આ ઉપરાંત શાહે કહ્યું કે, આઈપીએલની મેચમાં આજે રેકોર્ડ તૂટવાનો છે, જેમાં 1 લાખથી વધારે દર્શકો બેસવાના છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટેની જગ્યા આપી છે, આ સાથે ઓલિમ્પિક માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. અમવાદામાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ, નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ સહિત ત્રણ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. લશ્કરમાં ભરતી હોય તો ગુજરાતનો ક્વોટા ખાલી રહેતો હતો, નેશનલ સ્પોર્ટ્સ હોય તો ગુજરાત ક્યાંય દેખાતું નથી. દાળ-ભાત ખાવાવાળા લોકો તરીકે મ્હેણાં મારતા હતા. આજે કહું છું કે, સેનામાં ગુજરાતની એકપણ જગ્યા ખાલી નથી. સ્પોર્ટ્સમાં 2013માં 19મા નંબરે ગુજરાત હતું, તે 10મા નંબરે લાવવાનું કામ કર્યું છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે બની રહેલું ઓલિમ્પિક કક્ષાનું આ સ્પોર્ટ્સ કોમ્પેલક્ષ વર્લ્ડ ક્લાસ કક્ષાનું હશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે તેમજ 300 માણસોની રહેવાની સુવિધા સાથે 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ પણ બનાવવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ એમ છ ભાગોમાં વહેંચવામાં આવશે.
ફીટ ઈન્ડિયા ઝોનમાં સીનિયર સિટિઝન કે, જેઓને સ્પેશિયલ જરુરિયાતોની જરુર છે, તેમને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એક્વાટિક ઝોનમાં વોટર પોલો અને સિક્રોનાઈઝ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરી શકાય તેટલું વિશાળ હશે. આ ઝોનમાં એક સાથે 1500 દર્શકો બેસીને મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 6 બેડમિન્ટન કોર્ટ, કેરમ, ટેબલ ટેનિસ અને સ્નૂકર તથા બિલિર્ડ્સના 10 ટેબલ હશે. આ સિવાય આ કોમ્પ્લેક્સની રસપ્રદ વાત એ છે કે ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ અને વોલિબોલ તથા જિમનાસ્ટિક મેચ હોસ્ટ કરી શકાય તેવી પણ સુવિધા આપવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
18 Comments