અમદાવાદમાં ઇસ્કોનથી આંબલીનો રોડ (Iscon Ambli Road) નવા પોશ એરિયા તરીકે વિકસી ગયો છે અને અહીં જમીન- મકાનના જંગી રકમના સોદા થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઇસ્કોન-આંબલી રોડ પર માત્ર ચાર કિલોમીટરના પટ્ટામાં રૂ. 1500 કરોડથી વધુ રકમના જમીનના સોદા (land deals) થયા છે. આ રોડ આલિશાન અને અપમાર્કેટ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી (commercial property) માટે જાણીતો બન્યો છે. સૂત્રોએ જણાવ્યું કે આ રોડ પર 1.80 લાખથી લઈને 2.70 લાખ રૂપિયા પ્રતિ વારના ભાવે 5000થી 10000 ચોરસ વારના પ્લોટના સોદા થયા છે.
આ રોડ પર પ્રીમિયમ લક્ઝરી હાઈ રાઈઝ એપાર્ટમેન્ટ (luxury apartments in Ahmedabad) ઉપરાંત કોમર્શિયલ અને રિટેલ કોમ્પ્લેક્સ અને એક લક્ઝરી હોટેલ (luxury hotels in Ahmedabad) આવેલી છે. પોશ ક્લબ્સ પણ આ વિસ્તારની નજીક છે અને હાઈવે સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે.
ક્રેડાઈ ગાહેડના વાઈસ પ્રેસિડન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું કે “ઈસ્કોન-આંબલી રોડ પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માટે સૌથી વધુ ડિમાન્ડ ધરાવતો રોડ બન્યો છે. કેટલાક જાણીતા ડેવલપર્સ આ એરિયામાં પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે કારણ કે અહીં અલ્ટ્રા-લક્ઝરિયસ મકાનોની સારી એવી ડિમાન્ડ છે.” સન બિલ્ડર્સ, સ્વાતિ બિલ્ડર્સ, ઇસ્કોન બિલ્ડર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પલક ગ્રૂપ, સંકલ્પ ગ્રૂપ વગેરે ડેવલપર્સે છેલ્લા એક વર્ષમાં આ રોડ આસપાસ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
અમદાવાદ સ્થિત રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ પ્રવીણ બાવડિયાએ જણાવ્યું કે આ પટ્ટા પર રિયલ્ટી ડેવલપર્સને 5.4 સુધી ઉંચો FSI મળે છે તેથી પ્રોજેક્ટ ફાયદાકારક રહે છે. આ ઉપરાંત આ પટ્ટા પર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ વધારે છે કારણ કે તે સાણંદ અને ચાંગોદરના ઇન્ડસ્ટ્રીયલ પટ્ટા સાથે જોડાયેલ છે. તેથી ઘણા ઉદ્યોગપતિઓ અને ટોચના એક્ઝિક્યુટિવ્સ આ પટ્ટા પર મકાન ખરીદી રહ્યા છે. આ પટ્ટા પર કોમર્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ પણ સ્થિર ગતિએ વધી રહી છે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગના લોકોએ જણાવ્યું કે કોવિડ-19 રોગચાળો આવ્યા પછી લક્ઝરી એપાર્ટમેન્ટની માંગમાં વધારો થયો છે. લોકો ઘર ખરીદવા માટે બીજી સુવિધાઓની સાથે સાથે સેફ્ટી અને સુરક્ષા પર ભાર મુકી રહ્યા છે.
અમદાવાદ સ્થિત ડેવલપર સાકેત અગરવાલે જણાવ્યું કે, “ઇસ્કોન આંબલી રોડ હાઈ-એન્ડ રેસિડેન્શિયલ વિસ્તારના પટ્ટા તરીકે ડેવલપ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે અહીં મિક્સ્ડ ડેવલપમેન્ટ નથી. તેથી તેને પ્રીમિયમ લોકાલિટી તરીકે પ્રમોટ કરવામાં આવે છે અને પ્રોજેક્ટ્સને સારો રિસ્પોન્સ મળે છે. તે એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સાથે પણ સારી કનેક્ટિવિટી ધરાવે છે.”
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments