અમદાવાદમાં પાર્કિંગ પોલિસીના અમલીકરણ પહેલાં બિલ્ડિંગોમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા કરો નહીં તો જનઆંદોલન કરાશે
If there is no arrangement for parking in buildings before implementation of parking policy in Ahmedabad, there will be mass agitation.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાફિક એન્ડ પાર્કિગ સેલની મીટિંગમાં પાર્કિગ પોલિસીના અમલીકરણ અને વાહન પાર્કિગ સિવાયની જગ્યાએ વાહન પાર્ક કરવા બદલ નાગરિકો પાસેથી દંડ લેવાની ડ્રાઈવ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે નવી પાર્કિગ પોલીસી મામલે જણાવ્યું હતું કે શહેરમાં તમામ ઝોનમાં આવેલા રહેણાંકો અને કોમર્શીયલ હેતુથી ઉપયોગમાં લેવાઇ રહેલ તમામ બિલ્ડીંગો પૈકી જે બિલ્ડીંગોના કોર્પોરેશનમાં પાર્કિગ હેતુ સાથેના પ્લાન મંજુર કરાવી બિલ્ડર દ્વારા કોમર્શીયલ હેતુ માટે ગોડાઉન, દુકાન કે હોટલો બનાવી દેવામાં આવ્યા છે. તેવા તમામ પાર્કિંગોને એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
પોલીસીમાં દિવસ અને રાત્રીના પાર્કિગ માટેના અલગ દર
નવી પાર્કિગ પોલીસીમાં દિવસ અને રાત્રીના પાર્કિગ માટેના જે અલગ અલગ દર નકકી કરવામાં આવ્યા છે, તે દર અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શહેરમાં વસતા સામાન્ય, મધ્યમ કે ગરીબ વર્ગના તમામ લોકોને પોસાય એવા રાખવા કોંગ્રેસ પક્ષ તરફથી માંગ છે. જો આ તમામ મુદ્દાઓનો અમલ કર્યા પહેલા નવી પાર્કિગ પોલીસીનો અમલ કરવામાં આવશે તો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે જનઆંદોલન કરવામાં આવશે.
સગવડ આપ્યા પહેલા જ લોકોને દંડવાની વાતઃ વિપક્ષ
પાર્કિગ પોલીસીના અમલીકરણ માટે મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં વિવિધ કમિટીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં નિયત પાર્કિંગના સ્થળો સિવાય અન્ય સ્થળોએ પાર્ક કરનારા વાહનચાલકોના વાહનો ટોઇંગ કરવાની અને મોટો દંડ કરવાની કાર્યવાહી મ્યુનિ. કોર્પોરેશન અને શહેર ટ્રાફીક પોલીસની સંયુકત ટીમ દ્વારા શરૂ કરવામાં આવનાર છે એવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેની સામે કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે.અમદાવાદ શહેરમાં દિન પ્રતિદીન વધતા વાહનોની સંખ્યા સામે કોર્પોરેશનના વહીવટી તંત્રના અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા પુરતી વાહન પાર્કિંગની સગવડ આપ્યા પહેલા જ લોકોને દંડવાની વાત છે.
શહેરીજનોના કુલ વાહનોની સામે પાર્કિગ માટે જગ્યા નથી
કોંગ્રેસ પક્ષ તરફથી નવી પાર્કિગ પોલીસીના અમલ પહેલાં અમદાવાદ શહેરમાં તમામ સાત ઝોનમાં કેટલા ટુ વ્હીલર, ફોર વ્હીલર છે એનો નવો સર્વે કરાવી આ વાહનોના પાર્કિંગ માટે સૌપ્રથમ પાર્કિગના સ્થળ નકકી કરવામાં આવે કારણ કે મ્યુનિ.કમિશનર તરફથી મંગળવારે જાહેર કરવામાં આવેલ એક અખબારી યાદીમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે અમદાવાદ શહેરમાં જે જે વિસ્તારોમાં વાહન પાર્કીંગની સુવિધા નથી તે તે વિસ્તારોમાં વાહન પાર્કિગ માટે જગ્યાઓ શોધવામાં આવશે જે પરથી સ્પષ્ટ થાય છે કે મ્યુનિ.કો. પાસેજ હાલમાં શહેરીજનોના કુલ વાહનોની સામે પાર્કિગ માટે જગ્યા નથી.
ચેરમેન હિતેશ બારોટે અધિકારીને ખખડાવ્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પાર્કિગ પોલિસીનું અમલીકરણ શરૂ કરી અને જે તે નિયત સ્થળે વાહન પાર્કિંગ વાહન માલીકોએ કરવું પડશે અને જુઓ તેઓ નક્કી કરેલા સ્થળોએ વાહનપાર્કીંગ નહીં કરે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને ટ્રાફિક અને પાર્કિંગ સેલના સભ્ય મનીષ માસ્ટરે પ્રેસનોટ કરી અને જાહેરાત કરી હતી.આ સમગ્ર મામલે ભાજપના શાસકો નારાજ થયા હતા.સ્ટેન્ડિંગ કમિટી બાદ આ સમગ્ર પાર્કિંગ પોલિસીના અમલીકરણ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ અધિકારી મનીષ માસ્ટરને બોલાવી અને અમલીકરણ માટે સમગ્ર માહિતી માંગી હતી જોકે તેઓ આ અંગેની કોઈપણ માહિતી અને ફાઈલ તેમની સમક્ષ રજૂ કરી શક્યા ન હતા. જેથી હિતેશ બારોટે તેમને ખખડાવ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments