અમદાવાદના સરખેજ-ગાંધીનગર (એસ.જી.) હાઇવે પર ચેરિટી કમિશનરના માધ્યમથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીએ 12,858 ચો.મી.નો પ્લોટ 385 કરોડની તળિયાની કિંમતે હરાજી માટે મૂક્યો છે. આ ભાવ પ્રમાણે આ જમીનની ઓછામાં ઓછી કિંમત અંદાજે રૂ.3 લાખ પ્રતિ ચો.મી.ની થઈ છે. સમગ્ર ગુજરાતમાં આ જમીનનો સૌથી વધુ ભાવ હોવાનું અને ચેરિટી કમિશનરના ઇતિહાસમાં આ સૌથી મોટો સોદો હોવાનું મનાય છે. આ અગાઉ આ જ સંસ્થાએ 2017માં આ સ્થળે જમીનના બે ટુકડા 312.90 કરોડની કિંમતે વેચ્યા હતા, જેની કિંમત રૂ.1.49 લાખ પ્રતિ ચો.મી. હતી.એટલે કે માત્ર ચાર વર્ષના સમયગાળામાં એસ.જી. હાઇવે પરની જમીનના ભાવ બમણા બોલાઇ રહ્યા છે.
2017માં 11,381 ચો.મી.ના પ્લોટ માટે 170 કરોડનો તળિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ પ્લોટ બી સફલ ગ્રૂપની કંપની એસ.એચ.જી. રિઅલ્ટીએ 170.40 કરોડમાં ખરીદ્યો હતો. અર્થાત હરાજીમાં ચોરસ વાર દીઠ 1,25,192ની કિંમત ઉપજી હતી. જ્યારે 9500 ચો.મી.ના પ્લોટ માટે 142 કરોડનો તળિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ટ્રુ વેલ્યુ ઇન્ફ્રા બિલ્ડ નામની કંપનીએ આ પ્લોટ 142.50 કરોડમાં ખરીદ્યો હતો. 2017ના આ બંને પ્લોટનું કુલ ક્ષેત્રફળ 20881 ચોરસ મીટર થતું હતું. જ્યારે 2021માં જે પ્લોટની હરાજી કરવાની છે તેનું ક્ષેત્રફળ 12858 ચોરસમીટર છે.
વધુ FSI મળતી હોવાથી અહીં 70 માળની બિલ્ડિંગ બનાવી શકાય
થલતેજની જંત્રી મુજબ આ પ્લોટની કિંમત પ્રતિ ચોરસવાર રૂ. 75 હજાર છે. તે પ્રમાણે ગણતા પ્લોટની કિંમત 115 કરોડ થાય, પરંતુ સરકારે કરેલી જાહેરાતમાં 45 મીટરથી વધુના રોડની આસપાસની જમીન માટે 4 FSI આપવાની જાહેરાત કરી હતી. એસજી હાઈવે 45 મીટર કરતાં મોટો છે, જેથી આ જમીનને 4ની FSI આસાનીથી મળી શકે અને મહત્તમ 70 માળની બિલ્ડિંગ અહીં બનાવી શકાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
9 Comments