
કોરોનાના સમયગાળામાં રિયલ એસ્ટેટમાં એક નવો જ ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોમર્શિયલ પ્રોપર્ટીમાં બહુ ફેરફાર થયો છે. ઘણા રિયલ એસ્ટેટમાં એજન્ટ્સ અને બિલ્ડર્સે પોતાના કોમર્શિયલ પ્રોજેકેટ્સને રહેણાક પ્રોપર્ટીમાં બદલી નાખ્યા છે. 2021ના જુલાઈ સુધી જ અમદાવાદમાં 25 જેટલા કોમર્શિયલ પ્રોજેક્ટસને આવાસ યોજનાઓમાં બદલી નાખવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં 1.82 કરોડ વર્ગ ફૂટની જમીનને આવાસ પ્રોજેક્ટ્સમાં શિફ્ટ કરાઈ છે.
રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કુલ 1.50 કરોડ વર્ગ ફૂટની જમીનોને રહેણાકમાં ફેરવાઇ છે. કેટલાક મોટા રોકાણકારો જે કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે તેમણે પોતાની રોકાણ કરેલી જમીન હાલમાં હોલ્ડ પર રાખી મૂકી છે. આવી અંદાજે 24.21 લાખ વર્ગ ફૂટ (2.25 લાખ વર્ગ મીટર) જમીન માત્ર ચાર મહાનગરોમાં જ હોલ્ડમાં રખાયેલી છે.

દિવાળી સુધી સ્થિતિ નહીં સુધરે તો વધુ એક વર્ષ રાહ જોવી પડશે
રાજકોટ ક્રેડાઇના અમિત રાજાએ જણાવ્યું કે કોમર્શિયલ પ્રોજેકેટ્સમાં રોકાણ કરવાવાળા લોકો હમણાં ઓછા થયા છે. એની પાછળ કારણ પણ છે. છેલ્લા એક વર્ષમાં ઘરથી બહાર નીકળી ઓફિસમાં બેસવાનું કલ્ચર સાવ પૂરું જ થઇ ગયું છે. આવા સમયે જ્યારે કોઇ રોકાણ કરશે તો એને અગાઉથી બનેલા પ્રોજેકેટ્સ સાથે સ્પર્ધા કરવી પડશે. માની લો કે કોરોનાકાળથી પહેલાં એક કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવ્યો. પણ કોરોનાના કારણે એમાં વેચાણ જ ના થયું. હવે બધું ધીરે ધીરે ખૂલી રહ્યું છે ત્યારે તૈયાર પ્રોજેક્ટ પર લોકો પહેલાં જશે. એક કારણ કોસ્ટિંગ પણ છે. હાલમાં કન્સ્ટ્રક્શન મટીરિયલના ભાવ વધારે છે એટલે કુલ ભાવમાં પણ વધારો થશે. અગાઉથી બનેલાં પ્રોજેક્ટસમાં એ બાબતે થોડો ફાયદો થશે.
અફોર્ડેબલ ફ્લેટના ભાવ 15 ટકા, પ્રીમિયમ ફ્લેટના 25 ટકા સુધી વધી શકે
રિયલ એસ્ટેટ એજન્ટ્સના જણાવ્યા પ્રમાણે, આવનારા સમયમાં નવા અફોર્ડેબલ ફ્લેટની કિંમતોમાં 15 ટકા સુધી વધારો થઇ શકે છે. જ્યારે પ્રીમિયમ ફ્લેટની કિંમતોમાં 25 ટકા સુધી વધારો થઇ શકે છે. આની પાછળ બે કારણો છે. એક તો મટીરિયલ કોસ્ટ અને બીજું ઇંધણની કિંમતોમાં મોટો વધારો. મોટાભાગના બિલ્ડર્સ અફોર્ડેબલ ઘરોની સ્કીમોમાં જ રોકાણ કરશે. આવા ઘરો વધારે વેચાણ થશે એટલે એની કિંમતોમાં પ્રમાણસર વધારો થશે. અમદાવાદમાં નવી સ્કીમોમાં ભાવ વધશે. જૂના બંગલાઓ છે તેમના ભાવ સ્થિર રહેશે.
છેલ્લા એક વર્ષમાં વર્ક સ્ટેશન કલ્ચર વધ્યું, 20 હજારથી 3 લાખ વર્ગ ફૂટ જગ્યા ભાડે
એજન્ટ્સ કહે છે કે વર્ક ફ્રોમ હોમના કારણે નવી શરૂ થનારી કંપનીઓએ ઓફિસ ખરીદવાના સ્થાને વર્ક સ્ટેશન ભાડે લઇ લીધાં છે. કેટલાક રોકાણકારોનું કહેવું છે કે વર્ક સ્ટેશનનો જેટલો ઉપયોગ કરો એટલું જ ભાડું ચૂકવવાનું. જો ઓફિસ ભાડે લઇએ કે ખરીદીએ તો એક ચોક્કસ ખર્ચ થાય છે. છેલ્લા એક વર્ષમાં આઇ.ટી. સેક્ટરમાં ભારે તેજી જોવા મળી રહી છે. લૉકડાઉન ખૂલ્યા બાદ ઓછામાં ઓછી જગ્યા રાખવાનું ચલણ વધ્યું છે. વર્ક ફ્રોમ હૉમથી કંપનીઓને ખર્ચમાં ફાયદો થઇ રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મનોજ સોનીના જણાવ્યા મુજબ, છેલ્લા નાણાકીય વર્ષમાં અંદાજે 20 હજાર વર્ગ ફૂટ જમીન વર્ક સ્ટેશન માટે ભાડેથી લેવામાં આવી છે. હાલમાં આ આંકડો 3 લાખ વર્ગ ફૂટ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
18 Comments