GovernmentInfrastructureNEWS

માર્ગ પરિવહન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યો:હવે બેંક અકાઉન્ટની જેમ વાહન નોમિની બનાવી શકાશે, ટ્રાન્સફર કરવામાં સરળતા રહેશે

જો તમે વાહન માલિક છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ વાહન માલિક વાહન ખરીદતા સમયે બેંક અકાઉન્ટ અથવા પ્રોપર્ટીની જેમ પોતાના નોમિની એટલે કે ઉત્તરાધિકારીને નિયુક્ત કરી શકે છે. તેનાથી વાહન માલિકના મૃત્યુ બાદ વાહનને નોમિનીના નામે ટ્રાન્સફર કરવામાં સરળતા રહેશે. નવા નિયમને લઈને મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું છે.

શું બાદમાં પણ નોમિની નિયુક્ત કરી શકાય છે?
હા. નવા નિયમોના અનુસાર, વાહન માલિક રજિસ્ટ્રેશન બાદ ઓનલાઈન અરજી દ્વારા નોમિની નિયુક્ત કરી શકે છે. અત્યાર સુધી નોમિની નિયુક્ત કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. તેના માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રક્રિયા હતી.

શું નોમિનીનું કોઈ ઓળખ કાર્ડ આપવું પડશે?
નવા નિયમ પ્રમાણે, વાહન માલિકોને નોમિની નિયુક્ત કરતા સમયે નોમિનીનું ઓળખકાર્ડ પણ સબમિટ કરવું પડશે. તેનાથી વાહનને ટ્રાન્સફર કરતા સમયે નોમિનીની ઓળખ કરવામાં સરળતા રહેશે.

વાહન ક્યારે નોમિનીને ટ્રાન્સફર કરવામાં આવશે?
નોટિફિકેશનના અનુસાર, વાહન માલિકના મૃત્યુના 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન ઓથોરિટીને સૂચના આપવી પડશે. નોમિનીને વાહન માલિકના મૃત્યુના 3 મહિનાની અંદર વાહન ટ્રાન્સફર માટે ફોર્મ-31 ભરીને જમા કરાવવું પડશે. આ સમયગાળા દરમિયાન નોમિની વાહનનો જાતે ઉપયોગ પણ કરી શકે છે.

શું નોમિનીને બદલી શકાય છે?
હા. નિયમોના અનુસાર, વાહન માલિક નોમિનીને કોઈપણ સમયે બદલી શકે છે.

વહેંચણી વખતે વાહન ટ્રાન્સફર કેવી રીતે થશે?
નવા નિયમ પ્રમાણે, છૂટાછેડા અથવા મિલકતની વહેંચણી જેવી પરિસ્થિતિઓમાં વાહન માલિક નોમિની બદલી શકશે. તેના માટે એક સંમતિ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) અંતર્ગત અરજી કરવી પડશે. આ ફેરફાર બાદ સમગ્ર દેશમાં વાહન ટ્રાન્સફરની એકસમાન પ્રક્રિયા થશે.

જૂની પ્રક્રિયામાં શું મુશ્કેલી હતી?
વર્તમાન સમયમાં મોટર વ્હીકલ ઓનરશિપની ટ્રાન્સફરની પ્રક્રિયા ઘણી જટિલ હતી અને સમગ્ર દેશમાં અલગ અલગ છે. માલિકીના હકને ટ્રાન્સફર કરવા માટે વારંવાર ઓફિસના ધક્કા ખાવા પડે છે. તે સિવાય માલિકના મૃત્યુની સ્થિતિમાં વાહન ટ્રાન્સફર માટે કાનૂની વારસદારનું ઓળખ કાર્ડ આપવાનું હોય છે. ​​​​​​​

ડ્રાફ્ટમાં ફેરફાર ક્યારે જાહેર થયો?
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહન ટ્રાન્સફર માટે નોમિની નિયુક્ત કરવા સંબંધિત ફેરફાર પર ડ્રાફ્ટનો મુસદ્દો 27 નવેમ્બર 2020ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે મંત્રાલયે તમામ હોદ્દેદારો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માગ્યા હતા. સૂચનાઓ પર વિચાર કર્યા બાદ મંત્રાલયે ફાઈનલ નોટિફિકેશન જાહેર કર્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close