પલ્લવ, સતાધાર, નરોડા અને ઘોડાસર વિસ્તારમાં ચાર ફ્લાયઓવર બનાવાશે.
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરી વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવાનાં પ્રયાસનાં ભાગરૂપે મ્યુનિ.કમિશનરે આગામી નાણાંકીય વર્ષમાં પલ્લવ ચાર રસ્તા, સત્તાધાર જંકશન, નરોડા પાટિયા અને ઘોડાસર રેલ્વે બ્રિજ સાથે સ્પ્લીટ ફલાયઓવર બનાવવાની જોગવાઇ બજેટમાં સૂચવી છે. મ્યુનિ.કમિશનર મુકેશકુમારે સ્ટે.કમિટી સમક્ષ રજૂ કરેલાં સને ૨૦૨૧-૨૨નાં વર્ષ માટેનાં ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોને રોડ, પાણી, ગટરને લગતાં સંખ્યાબંધ કામો માટે કરોડો રૂપિયાની જોગવાઇ કરી છે. કમિશનરનાં જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં હયાત બ્રિજની સંખ્યા ૭૩ છે, જયારે ૧૫ બ્રિજનાં કામ પ્રગતિમાં છે તેમજ વધુ ૧૩ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. તે જોતા આગામી સમયમાં શહેરમાં ૧૦૨ જેટલાં બ્રિજ નાગરિકોની સુવિધા વધારશે.
જયારે રોડ પ્રોજેકટ અંતર્ગત તાજેતરમાં ૧૯૫ કિલોમીટર લંબાઇનાં ૩૯૪ રોડ ડેવલપિંગ અને રિસરફેસની કામગીરી પૂર્ણ કરી લેવાઇ હોવાની માહિતી આપતાં કમિશનરે હાલ ૧૭૧ કિલોમીટરનાં રોડ રિસરફેસની કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું. તદઉપરાંત આગામી વર્ષમાં નવા વિસ્તારમાં ૪૦ કિમીનું રોડ નેટવર્ક તથા ૪૫ કિમીના નવા રોડ ખુલ્લા કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. આગામી વર્ષમાં ચાર-પાંચ કિમીનાં રોડને આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડ્રેનેજ પ્રોજેકટ અંતર્ગત ૩૭૦ એમએલડીનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોવાની માહિતી બજેટમાં આપવામાં આવી હતી. તદઉપરાંત ગટરનાં પાણીનાં ઝડપથી નિકાલ માટે નારોલ-નરોડા રોડ ઉપર પણ માઇક્રો ટનલિંગ પધ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા અને ઓગણજ વિસ્તારમાં સુએજ નેટવર્કની કામગીરી ૨૦૨૨માં પૂરી થશે. ગોદરેજ ગાર્ડન સિટીથી ઓગણજ થઇ સાયન્સ સિટી રોડ ઉપર નવી ૧૬૦૦ મીમીની સુઅરેજ લાઇનની કામગીરી માર્ચ ૨૦૨૨માં પૂરી થશે. શહેરનાં જુદા જુદા વિસ્તારો માટે ૨૯૩ કરોડનાં ખર્ચે ૧૬ નવા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન ઊભા કરવાની જોગવાઇ કરવામાં આવી છે તો ૭૩ કરોડનાં ખર્ચે ૧૦ હયાત વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવ ગુજરાત સમય
8 Comments