છેલ્લા બે વર્ષમાં રાજ્યના 25 જિલ્લાઓમાં ગૌચરની જમીન ઘટી, ઉદ્યોગો, કંપનીઓ સહિતની સંસ્થાઓને 107 કરોડથી વધુ ચો.મી જમીન ફળવાઈ
ગુજરાત વિધાનસભાના સત્રમાં એક પછી એક આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિવિધ મુદ્દે સરકારની કામગીરી પર સવાલો કરવામાં આવી રહ્યાં છે. ગઈકાલે વિધાનસભામાં પ્રશ્નકાળમાં કોંગ્રેસ દ્વારા રાજ્યમાંથી ઘટી રહેલી ગૌચર મુદ્દે સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકારે વિતેલા બે વર્ષમાં ઉદ્યોગો, વિદ્યુત કંપનીઓ સહિત સામાજીક સંસ્થાઓને સરકારી પડતર, ખરાબા અને ગૌચરમાંથી 107 કરોડ 20 લાખ 45 હજાર 693 ચોરસ મીટર જમીન ફાળવી છે. વિધાનસભામાં સોમવારે વિપક્ષના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ માહિતી જાહેર કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યો
31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ સરકારે રજૂ કરેલી હકિકતમાં છેલ્લા બે વર્ષમાં 25 જિલ્લાઓમાં વધુ 34 લાખ 63 હજાર 322 ચોરસ મીટર ગૌચરની જમીનમાં ઘટાડો થયો છે.સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અગાઉની જેમ ઈચ્છે તેને ગૌચર ફાળવી શકાતુ નથી. પ્રશ્નકાળમાં વિપક્ષમાંથી રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરિષ ડેરે ગૌચરમાંથી દબાણ દૂર કરવાની માંગણી કરતા આક્ષેપ કર્યો કે હવે પહેલા ગૌચરને સરકાર હેડ હેઠળ કરાય છે અને પછી જે તે અરજદારને ફાળવાય છે.
મહેસૂલ મંત્રીએ કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપ્યો
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, ગૌચર નીતિનો ભંગ કરીને એક પણ ઈંચ ગૌચર જમીન ફાળવવામાં આવી નથી. જ્યાં સુધી દબાણને લાગે વળગે છે ત્યાં સુધી કોઈપણ ભોગે કોઈનું પણ દબાણ ચાલાવી લેવામાં આવતુ નથી. રસ્તા પુલ જેવી સુવિધાઓ, સરકારી કામકાજ કે જાહેર હિતના હેતુઓ માટે જ્યારે ગૌચરની જમીનની ફાળવણી કરવામાં આવે ત્યારે તેટલી જ જમીન નીમ કરવામાં આવે અને જાહેર હેતુ સિવાયના અન્ય હેતુઓ માટે ગૌચરની જમીનની જરૂરીયાત ઉપસ્થિત થાય તેટલી જ જમીન ખરીદીને સંસ્થા દ્વારા ગૌચર તરીકે નીમ કરવા ઉપરાંત જંત્રીની કિંમતના 30થી 40 ટકા રૂપિયા ગૌચર વિકાસ ફંડમાં જમા લેવાય છે.
વિપક્ષે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો
બે વર્ષમાં 100 કરોડ 11 લાખથી વધારે ચો.મી. સરકારી પડતર, 6.74 કરોડ ચો.મી.થી વધુ સરકારી ખરાબા અને 34.63લાખ ચો.મી.થી વધુ ગૌચરની જમીન ફાળવ્યાના જવાબો આપતા વિપક્ષે સરકારી શાળાઓમાં રમત- ગમતના મેદાનો માટે જમીન નથી પણ ઉદ્યોગોને સેંકડો જમીનની લહાણી થઈ રહ્યાનો આરોપ મૂક્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય – દિવ્ય-ભાસ્કર
3 Comments