ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર થયેલી ફાઈવ સ્ટાર હોટેલનું એપ્રિલમાં ઉદ્ઘાટન, મોદી ઉદ્ઘાટન કરે તેવી સંભાવના
ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન બિલ્ડિંગ અને ટ્રેક પર પીપીપી ધોરણે 300થી વધુ રૂમોની 9 માળની ફાઈવ સ્ટાર હોટલ તૈયાર થઇ રહી છે. હોટલનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે રેલવે મંત્રી પીયૂષ ગોયલે કામગીરીની સમીક્ષા કરી હતી. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, હોટલ તેમજ સ્ટેશન પરની નવી સુવિધાઓનું એપ્રિલમાં લોકાર્પણ કરાય તેવી શક્યતા છે.
રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, ગાંધીનગર કેપીટલ સ્ટેશન પર તૈયાર થઈ રહેલા ફાઈવ સ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે પણ નવી બિલ્ડિંગ તૈયાર કરાઇ છે. આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશ દ્વારથી સ્ટેશનના પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. જ્યાં તમામ પેસેન્જરોને ફરજિયાત ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. પેસેન્જરોના લગેજનું સ્કેનિંગ પણ કરાશે. સ્ટેશનના એન્ટ્રીગેટની બાજુમાં પણ ફાઈવ સ્ટાર હોટલમાં જવા માટે રસ્તો આપવામાં આવ્યો છે. જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા છે. જ્યારે જમણી બાજુ પેસેન્જરો માટે વેઈટિંગ રૂમ છે. પ્લેટફોર્મ પર પ્રાર્થના રૂમ, બેબી ફિડિંગ રૂમ અને પ્રાથમિક સારવાર રૂમ તૈયાર કરાયા છે. સંપૂર્ણ સ્ટેશન પર સીસીટીવીથી નજર રાખવાની સાથે લોકોના મનોરંજન માટે ઠેર ઠેર એલઈડી સ્ક્રીન પણ લગાવાયા છે.
ગાંધીનગર-સાબરમતી સહિત દેશમાં 123 સ્ટેશન પીપીપી ધોરણે તૈયાર કરાશે
દેશના મુખ્ય રેલવે સ્ટેશનોનો પીપીપી ધોરણે પુુનર્વિકાસની સરકારની યોજનાના ભાગરૂપે ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશનનના પુનર્વિકાસની કામગીરી અંતિમ ચરણમાં છે. જ્યારે સાબરમતી રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. રેલવે દ્વારા ગાંધીગર કેપિટલ અને સાબરમતી સહિત દેશના 123 સ્ટેશનોની પુનર્વિકાસ યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
7 Comments