લેન્ડગ્રેબિંગ એક્ટ:ભૂમાફિયા પાસેથી 773 વીઘા જમીન માલિકોને પરત કરાઇ
• 2,539 ફરીયાદો, 414 આરોપી સામે કાર્યવાહી
ગુજરાત સરકારે થોડા સમય પહેલાં લાગુ કરેલાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લા કલેક્ટરોને કુલ 2,539 ફરિયાદો પ્રાપ્ત થઇ. આ ફરિયાદોમાં કાર્યવાહી કરીને ગુજરાત સરકારે 773 વીઘા જેટલી જમીન અસામાજિક તત્ત્વો પાસેથી પરત મેળવી તેના મૂળ માલિકોને આપી છે. ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપી હતી.
કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલાં પ્રશ્નના જવાબમાં જાડેજાએ કહ્યું કે, 2,539 ફરિયાદોમાંથી 113 ફરિયાદોમાં પ્રક્રિયા પૂર્ણ થઇ છે જ્યારે બાકીની ફરિયાદો પર પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ 414 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાયદાકીય રીતે કેસ ચલાવવામાં આવી રહ્યો છે. જે જમીનો મુક્ત કરાઇ તેનો કુલ વિસ્તાર 12.51 લાખ ચોરસમીટર એટલે કે 309 એકર જેટલો થવા જાય છે. હજુ પણ જેમ ફરિયાદો આવતી જશે તેમ તેની પ્રક્રિયા કરવામાં આવશે.
ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આ કાયદાના ઝડપી અમલ માટે કલેકટરોની અધ્યક્ષતામાં જિલ્લા કમિટીઓ બનાવી છે. જોકે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ચાર્જશીટ થયેલાં કેસો વિગત માંગી હતી તે આપવામાં આવી ન હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
6 Comments