કામગીરી પૂરજોશમાં:રાજકોટ એઇમ્સમાં 22 બ્લોકમાંથી 21ના પ્લાન મંજૂર થયા, 1.39 કરોડ રૂડામાં જમા કરાવ્યા, સ્થળ પર બેઠકનો દોર શરૂ
- રૂરલ પ્રાંત, રૂડા, GEB, માર્ગ-મકાનના અધિકારીઓ બેઠકમાં હાજર
- વીજલાઈન 8 દિવસમાં અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે, કામગીરી ચાલુ
રાજકોટના જામનગર રોડ પર 15 કિ.મી. દૂર પરાપીપળીયા-ખંઢેરી નજીક એઇમ્સ હોસ્પિટલ બની રહી છે. હાલ બાંધકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રૂડા કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 7 માળના મુખ્ય બિલ્ડીંગ સહિત અન્ય બિલ્ડીંગોમાં કુલ 22 જેટલા જુદા જુદા બ્લોક બનશે. 22માંથી 21 બ્લોકના પ્લાન મંજૂર થઈ ગયા છે. અગાઉ બે બિલ્ડીંગ એકેડેમીક બિલ્ડીંગ અને મેઈન હોસ્પિટલ બિલ્ડીંગના પ્લાનમાં ક્વેરી નીકળી હતી. જેમાં એકેડેમીક બિલ્ડીંગના પ્લાનમાં ક્વેરી સોલ્વ થતા તે પણ આજે મંજૂર થઈ જશે. જ્યારે મેઈન બીલ્ડીંગના પ્લાનમાં ક્વેરી સોલ્વ કરી આજે સાંજે મુકી દેવાશે. પરિણામે તમામ 22 બ્લોકમાં કામગીરી ધમધમતી થઈ જશે.
પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો ટુ-વે રોડ બનશે
કામગીરી ઝડપી બને તે માટે એઈમ્સની સાઈટ ઉપર જ રૂરલ પ્રાંત વિરેન્દ્ર દેસાઈ, રૂડાના CEO ચેતન ગણાત્રા, GEB, આર એન્ડ બી વગેરે ખાતાના અધિકારીઓની બેઠક મળી હતી. એઈમ્સમાં અડચણરૂપ મેઈન હેવી વીજલાઈન 8 દિવસમાં જ અન્ડરગ્રાઉન્ડ કરવા અંગે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત 9 મીટરનો રસ્તો બનવા લાગ્યો છે, પરંતુ પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો ટુ-વે રોડ રૂડા-માર્ગ-મકાન દ્વારા બનાવવા અંગે પણ નિર્ણય લેવાયો હતો.
200 એકર જમીનમાં એઈમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે
રાજકોટ નજીક જામનગર હાઈવે પર પરાપીપળીયા અને ખંઢેરીના બે સર્વે નંબરની 200 એકર સરકારી જમીનમાં એઈમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે. એઈમ્સ હોસ્પિટલનું કામ જે પ્લાન મંજૂર થયા છે તેનું કામ પૂરજોશથી શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ એઈમ્સ હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગ પરથી હાઈટેન્શન વીજ લાઇન પસાર થતી હોય આ વિજ લાઇન અંડર ગાઉન્ડ કરવા માટે બેઠકમાં જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો. આજે એઈમ્સ સાઈટ ખાતે વીજ કંપનીના ઈજનેરો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ અને રૂડાના એન્જિનીયરો દોડી જઈ આ કામ શરુ કરાવ્યું છે.
ત્રણ માસમાં તમામ સગવડતા ઉપલબ્ધ કરી દેવામાં આવશે
પરાપીપળીયાથી એઈમ્સ સુધી જવા માટે નવો ફોરલેન રોડ તત્કાલ બનાવવા માટેનું કામ પણ શરુ કરવા માટે રૂડા દ્વારા રોડનું ડીમાર્કેશન કરી લેવામાં આવતા આ કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ મહિનામાં પુરુ કરી દેવામાં આવશે. જેના કારણે પરાપીપળીયાથી સીધુ એઈમ્સ હોસ્પિટલ સુધી સરળતાથી પહોંચી શકાશે. સાથોસાથ એઈમ્સથી અમદાવાદ હાઈવે પરના માલીયાસણ સુધીનો ગુજરાતનું સૌપ્રથમ 90 મીટરનો રોડ કે જેનું ડીમાર્કેશન રૂડા દ્વારા કરી લેવામાં આવ્યું હોય તેના જમીનના કબ્જા પણ લઈ લેવામાં આવ્યા છે અને આ 13 કી.મી.નો રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવ્યો હોવાનું પણ રૂડાના સૂત્રોએ જણાવતા ઉમેર્યુ હતું કે એઈમ્સ હોસ્પિટલ માટે જરૂરી એવી આગોતરી તમામ સગવડતાઓ ત્રણ માસમાં ઉપલબ્ધ કરી દેવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
8 Comments