સુપર એક્સક્લૂઝિવ: સાબરમતી નદીના બંને છેડે રિવરફ્રન્ટ ઈન્દિરાબ્રિજ સુધી લંબાશે, ગ્રીનરી વચ્ચે બાળકો માટે પ્લે ગાર્ડન-ઓપન જિમ એરિયા બનશે
- પૂર્વની સાથે પશ્ચિમ અમદાવાદના વિસ્તારોના લોકો પણ નદીકાંઠે સહેલ-પિકનિકની મજા માણી શકશે, 850 કરોડનો પ્રોજેક્ટ
- નદીકિનારેથી હવે ઊંચી દીવાલો નહીં, ફેઝ-2માં સ્ટેપ્સ બનાવાશે, બે વર્ષમાં કામગીરી તબક્કાવાર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
અમદાવાદની આગવી ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટે શહેરીજનોને હરવા-ફરવાનો એક અલગ વિકલ્પ પૂરો પાડ્યો છે. અત્યારે રિવરફ્રન્ટ નદીની બંને તરફ 11.5 કિ.મી જેટલો બનેલો છે. હવે તેને બંને બાજુએ લંબાવીને રિવરફ્રન્ટનો વધુ વિકાસ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટની કામગીરી આશરે બે વર્ષમાં તબક્કાવાર પૂર્ણ થવાનું શરૂ થશે. ત્યાર બાદ પૂર્વ વિસ્તારમાં નરોડા, સરદારનગર, હાંસોલ અને શાહીબાગ ઉપરાંત પશ્ચિમના સાબરમતી, મોટેરા અને ચાંદખેડાના લોકો પણ રિવરફ્રન્ટની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્રારા અંદાજે રૂ. 850 કરોડના ખર્ચે ફેઝ-2 બનાવવામાં આવશે.
રિવરફ્રન્ટ ફેઝ-2 માટેનું ટેન્ડર જારી, ઈન્દિરાબ્રિજ સુધી ડેવલપ થશે
સાબરમતી રિવરફ્રન્ટના જનરલ મેનેજર (ટેક્નિકલ) જગદીશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને કિનારાનો વિકાસ કરવામાં આવશે. આ માટે અલગ-અલગ કામગીરીનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. હાલ રિવરફ્રન્ટ પૂર્વમાં ડફનાળા ટોરેન્ટ પાવર સ્ટેશન તથા પશ્ચિમમાં ધર્મનગર સુધી ડેવલપ થયેલો છે, જ્યારે ફેઝ-2માં ઇન્દિરાબ્રિજ સુધી નદીના બંને છેડે વિકાસ કરવામાં આવશે. આ બંને રિવરફ્રન્ટ પર ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જિમ એરિયા તેમજ અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રિવરફ્રન્ટ ફેઝ-2માં એનું કોન્સેપ્ટ પ્લાનિંગ તથા ડિઝાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું થયું છે.
બંને છેડે ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, ગ્રીન બેલ્ટ તૈયાર કરાશે
રિવરફ્રન્ટ ફેઝ-2માં રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મી.માં 5.8 કિ.મી.નો ઉમેરો કરી પશ્ચિમમાં 11.5 કિ.મી.માં 5.2 કિ.મી.નો વધારો કરાશે. ઇન્દિરાબ્રિજ સુધી બંને કિનારા થઇને આશરે 11.5 કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવ્યું છે, જેથી બંને બાજુ થઇને લંબાઈ હવે કુલ 34 કિ.મી. થશે. નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્કસ તથા રેસિડેન્સ અને કોમર્શિયલ પ્રકારનાં વિકાસનાં કાર્યોનો સમાવેશ થશે.
રિવરફ્રન્ટ ફેઝ-2 વધારે હરિયાળો બનાવવા માટે એમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમ જ લોકો માટે જુદા જુદા લેવલ પર સીંટિંગ એરેન્જમેન્ટ વગેરે જેવી સુવિધાઓ હશે.
બેરેજ-કમ-બ્રિજથી નદીમાં પાણીનું લેવલ જાળવી રખાશે
બેરેજ-કમ-બ્રિજના નિર્માણ થકી રિવરફ્રન્ટના ફેઝ-2 વિસ્તારમાં નદીમાં પાણીનું લેવલ જળવાઇ રહેશે. આને લીધે આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે. આનાથી આજુબાજુના વિસ્તારોમાં કાળક્રમે ભૂગર્ભજળનો સ્તર પણ ઊંચો આવશે. આ બેરેજ-કમ-બ્રિજ બનવાને કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે.
નદીની બંને તરફના રોડ પર ટ્રાફિકનું ભારણ હળવું થશે
રિવરફ્રન્ટ ફેઝ-2 પર બેરેજ-કમ-બ્રિજથી નદીના બંને છેડાના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે. આ પ્રોજેક્ટ આંબેડકરબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધી સાબરમતી નદીને સમાંતર બનશે, જેનાથી પસાર થતા લોકોને નદીકિનારે ડ્રાઇવ કરતાં આલ્હાદક અનુભવ મળશે. આ રોડ થવાથી મણિનગર, નારોલથી ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા રિંગ રોડ જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ થવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે અને પ્રદૂષણના પ્રશ્નો ઘટશે.
જમીન સંપાદન-કેન્ટોન્મેન્ટ બોર્ડની સંમતિથી કામગીરી પૂર્ણ
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઇડ્રોલોજી તેમ જ હાઇડ્રોલિક સ્ટડીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એની વેરિફિકેશનની કામગીરી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી, રૂરકી દ્વારા કરાવવામાં આવી રહી છે. એન્વાયર્નર્મેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની કામગીરી ચાલુ છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2 માટે અમદાવાદ જિલ્લાના ચાર ગામની આશરે 72 હેકટર નદી પૈકીની જમીનનો આગોતરો કબજો મળ્યો છે. ગાંધીનગર જિલ્લાના બે ગામની નદી પૈકીની આશરે 20 હેકટર જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડની આશરે 13 હેકટર જમીન મેળવવાની સંમતિ મળી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
9 Comments