
મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ એસપી રિંગરોડ અને એરપોર્ટની કનેક્ટિવિટીએ મોટેરાને સ્ટ્રેટેજીકલી પ્રાઇમ લોકેશન બનાવ્યું
લાંબા સમય બાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી મેચ રમવાની શરૂઆત થશે. આ સ્ટેડિયમ ભારત અને વિશ્વની નજરમાં ત્યારે આવ્યું જ્યારે 2020માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર આ ગ્રાઉન્ડની મુલાકાતે આવ્યા હતા. દિવ્યભાસ્કરે જાણવાનો પ્રયાસ કર્યો કે રિનોવેશન બાદ વિશ્વનું સૌથી વધુ બેઠક વ્યવસ્થા વાળું અને અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ જે મોટેરા વિસ્તારમાં આવેલું છે તેને આ સ્ટેડિયમથી શું ફાયદો થયો છે અને આવનારા સમયમાં શું ફાયદો થશે.
આ અંગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ એવો મત દર્શાવ્યો કે, સ્ટેડિયમ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ જેવા ડેવલપમેન્ટના કારણે મોટેરા હવે સ્ટ્રેટેજીકલી પ્રાઇમ લોકેશન બની રહ્યું છે અને આવતા દિવસોમાં મોટેરા, કોટેશ્વર, ચાંદખેડા, ન્યુ સીજી રોડ, ભાટ અને સાબરમતી જેવા વિસ્તારોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘણા મહત્વના ડેવલપમેન્ટ થશે.

રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં 20-25% વધારો થયો
સામર્થ ગ્રૂપના મનિષ પટેલે જણાવ્યું કે, સ્ટેડિયમ બનવાથી તેમજ મેટ્રો રેલના કારણે લોકોનું ધ્યાન મોટેરા, કોટેશ્વર જેવા વિસ્તાર તરફ ગયું છે અને તેના કારણે અહીં નવા પ્રોજેક્ટ્સની સંખ્યામાં 20-25% જેવો વધારો થયો છે. અમદાવાદમાં રહેણાંક મકાનો માટે નવરંગપુરા, પાલડી, બોપલ, વાસણા, મણિનગર, આંબલી, ગોતા જેવા વિસ્તારો લોકોની પહેલી પસંદગી રહ્યા છે. આ બધા વિસ્તારોના પ્રોપર્ટી માર્કેટમાં સરેરાશ 3%થી લઈને 5% જેવો વધારો જોવા મળે છે. તેની સામે મોટેર, ચાંદખેડા અને તેની આસપાસના વિસ્તારોમાં 6-8% જેવુ રિટર્ન મળ્યું છે અને આ ફેરફાર છેલ્લા 2 વર્ષમાં જ જોવા મળ્યો છે. ક્રિકેટ સ્ટેડિયમ અને તેની આસપાસ 10 કિમીના વિસ્તારમાં ભાવ બે વર્ષ પહેલા રૂ. 24,000-30,000 હતો તે અત્યારે રૂ. 32,000-35,000 પ્રતિ વાર ભાવ થઈ ગયો છે.

મોટેરા અને આસપાસ કોમર્શિયલ ડેવલપમેન્ટ વધશે
પોલરિસ ગ્રૂપના નીતિન કોઠારીએ કહ્યું કે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં મોટેરામાં છેલ્લા ત્રણ વર્ષથી સારું એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તેની સામે કોમર્શિયલ માર્કેટમાં ગ્રોથ ધીમો રહ્યો છે. સ્ટેડિયમ બનવાના કારણે કોમર્શિયલ સેગમેન્ટમાં ડેવલપમેન્ટ વધી શકે છે. આવતા એક બે વર્ષમાં આ સેગમેન્ટમાં નવા પ્રોજેક્ટ્સ આવશે. જ્યાં સુધી રહેણાંકની વાત છે તો ઇન્ફ્રાસ્ટ્રકચર વધે તેના માટે પ્રપોઝલ થયેલી છે. જેમ કે કોટેશ્વર વિસ્તારમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વધુ છે પણ કનેક્ટિવિટી ઓછી છે તો ત્યાંથી શહેરના પૂર્વ વિસ્તારને જોડવા માટે રસ્તા બનશે ત્યારે તેમાં ઘણો ફાયદો થશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ પણ આ વિસ્તારનું જમાપાસું સાબિત થશે.

રૂ. 30 લાખથી લઈને રૂ. 1.5 કરોડ સુધીની પ્રોપર્ટી મળી રહે છે
રિયલ એસ્ટેટ પોર્ટલ હોમ ઓનલાઈન (Homeonline.com)ના રિજનલ હેડ પ્રતિક શ્રીવાસ્તવે જણાવ્યું કે, ક્રિકેટ સ્ટેડિયમના કારણે મોટેરા વિસ્તાર છેલ્લા એક બે વર્ષથી લાઇમલાઇટમાં આવ્યો છે. વિતેલા અમુક વર્ષોમાં મોટેરા અને તેની આસપાસના વિસ્તારો ચાંદખેડા, કોટેશ્વર, સાબરમતીમાં સારા એવા પ્રમાણમાં રહેણાંક પ્રોજેક્ટ્સ આવ્યા છે. કોમર્શિયલ સેગમેન્ટમાં પણ સારો ગ્રોથ થઈ રહ્યો છે. મોટેરા પેરીફેરીમાં રૂ. 30 લાખથી લઈને રૂ. 1.5 કરોડ સુધીની પ્રોપર્ટી મળી રહે છે. એટલે કે એફોર્ડેબલ સેગમેન્ટ અને લક્ઝુરિયસ બંગલોના ઓપ્શન પણ ઉપલબ્ધ બન્યા છે.
પ્રતિક જણાવે છે કે, મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે મોટેરા અમદાવાદના મહત્વના વિસ્તારો તેમજ ગાંધીનગર સાથે પણ જોડાશે. આ ઉપરાંત એરપોર્ટ અને રેલ્વેસ્ટેશન 10-15 કિમીના અંતરે આવેલા છે. સ્ટેડિયમથી માત્ર 3 કિમીના અંતરે એસપી રિંગરોડ પણ છે. આ તમામ બાબતોથી મોટેરા અને તેની આસપાસના વિસ્તારો સ્ટ્રેટેજિકલી પ્રાઇમ લોકેશન બની રહ્યા છે.

મોટેરા માટે બાયર્સની માનસિકતા બદલાઈ રહી છે
સમકારા બિલ્ડકોન LLPના હિંમતસિંહ રાજપૂતે જણાવ્યું કે, પાછલા બે-ત્રણ વર્ષોમાં મોટેરાનું જે રીતે ડેવલપમેન્ટ થયું છે અને સાથે જ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ સુધારી રહ્યું છે તેના કારણે મકાન અથવા પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકોની માનસિકતા પણ આ વિસ્તાર માટે બદલાઈ છે. કોઈ ગોતા, ન્યુ રાણીપ, વૈષ્ણવદેવી સર્કલ આસપાસ મકાન શોધતા હોય અને અમે તેમને મોટેરા, કોટેશ્વર કે ચાંદખેડામાં પ્રોપર્ટી સજેસ્ટ કરીએ તો હવે સ્ટેડિયમના કારણે તેઓ પણ આ તરફ આવવા તૈયાર થાય છે. અમને મળતી ઇન્ક્વાયરીના 20-30% લોકો એવા છે જે મોટેરા માટે પોતાનો નિર્ણય બદલી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા આવું થતું ન હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
10 Comments