પીટિશન:ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈઓને હાઈકોર્ટમાં પડકારવામાં આવી,કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા માંગ
ખાનગી જમીન અંગે વર્ષો અગાઉ થયેલી સમજૂતી અને વેચાણનો પણ કાયદામાં સમાવેશઃ અરજદાર
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઇઓને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આ જોગવાઇઓને ગેરબંધારણીય ઠેરવી રદ કરવાની માંગની રિટ કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે આ કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટને પુષ્કળ સત્તાઓ આપવામાં આવી છે અને આ કાયદા અંતર્ગત કોર્ટનું હુકૂમત ક્ષેત્ર નક્કી કરવાની સત્તા સરકારને આપવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી 18મી ફેબ્રુઆરીના રોજ નિયત કરવામાં આવી છે.
જોગવાઇઓમાં ખાનગી જમીનને આવરી લેવાઈ
રિટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ કાયદા હેઠળ નિર્ધારિત કરવામા આવેલી જોગવાઇઓમાં ખાનગી જમીનને પણ આવરી લેવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે વર્ષો પહેલાં થયેલા ખાનગી જમીનના ખરીદ-વેચાણના કરારાો પણ આ કાયદા હેઠળ છે. જે અંગે નિર્ણયો લેવાની સ્પેશિયલ કોર્ટને બેહિસાબ સત્તાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી જમીનો અંગે અગાઉ સિવિલ કોર્ટોએ આપેલા આદેશો અને ડિક્રીને રદ કરવાની સત્તા પણ આ સ્પેશિયલ કોર્ટને આપવામાં આવી છે.
18મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે
આ કાયદો ખાનગી જમીન અંગે અગાઉ થયેલી સમજૂતી અને વેચાણકરારને અસ્થિર બનાવે છે. આ કાયદામાં એક નવાં ગુનાને દાખલ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિએ ખોટી રીતે જમીનનો કબ્જો લીધો હોય તો તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરી ગુનો નોંધાવી શકાય છે. આ ઉપરાંત આ પુત્રએ તેની નિર્દોષતા સાબિત કરવાની રહે છે. જમીન વિવાદના કયા કેસો સ્પેશિયલ કોર્ટમાં અને કયા કેસો સામાન્ય સિવિલ કોર્ટમાં ચાલશે તેની સ્પષ્ટતા જોગવાઇમાં આપવામાં આવી નથી. રાજ્યપાલને કાયદા ઘડવાની સત્તા નથી. આ બાબત રાજ્ય અને કેન્દ્ર સરકારનો વિષય છે અને તેમાં પણ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. આ કેસ અંગે 18મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.
જમીનના કેસો અંગે વિસંગતતાઓ ઉભી થશે
આ રીટમાં એડવોકેટ વિરાટ પોપટ તરફથી એવી રજુઆત પણ કરવામાં આવી છે કે આ કાયદામાં એક નવા ગુનાને દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એવી જોગવાઈ છે કે કોઈ વ્યક્તિના પિતાએ ગુનો અથવા તો ખોટી રીતે જમીન લઈ લીધી હોય તો તેના પુત્રની વિરૂદ્ધ પણ ગુનો બને અને ફરિયાદ થઈ શકે છે. કાયદા મુજબ આરોપીએ પોતાની નિર્દોષતા સાબિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત કયા પ્રકારની જમીનના કેસો કાયદા હેઠળની સ્પેશિયલ કોર્ટમાં ચાલશે તે અંગેનો તફાવત કાયદામાં મુકવામાં આવ્યો નથી. જેથી જમીનના કેસો અંગે વિસંગતતાઓ ઉભી થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
14 Comments