ફ્રાન્સના ટોટલ ગ્રુપે અદાણી ગ્રીનમાં 20% હિસ્સો ખરીદ્યો, અદાણીને 18,500 કરોડ ચૂકવાશે
ફ્રાન્સની એનર્જી કંપની ટોટલ ગ્રુપે અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં 20% હિસ્સો ખરીદવા એક કરાર કર્યો છે. આ હિસ્સો ખરીદવા ટોટલ જૂથ અદાણીને 2.5 અબજ ડૉલર (આશરે રૂ. 18,500 કરોડ) ચૂકવશે. બંને કંપનીઓ દ્વારા જારી એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, આ સોદાથી ફ્રાન્સના પેરિસ સ્થિત ટોટલ ગ્રુપને દુનિયાના સૌથી મોટી સૌર ઊર્જા ઉત્પાદક કંપનીમાં હિસ્સો મળશે. આ સાથે 2.35 ગીગા વૉટની સૌર સંપત્તિમાં પણ 50% હિસ્સો મળશે.
આ પહેલાં ટોટલ જૂથે 2018માં અદાણીની શહેરી ગેસ વિતરણ ફર્મ અદાણી ગેસ લિમિટેડમાં પણ 37.4% હિસ્સો ખરીદયો હતો. આ ઉપરાંત ટોટલ જૂથે ઓડિશા સ્થિત અદાણીની નિર્માણાધીન ધામરા એલએનજી પરિયોજનામાં પણ 50% હિસ્સો હાંસલ કર્યો હતો. ઉપરોક્ત સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, ટોટલ જૂથ ઓઈલ બિઝનેસ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને વીજળી તથા નવીનીકરણ ઊર્જામાં રોકાણ વધારી રહ્યું છે. ટોટલ જૂથનું લક્ષ્ય સાત ગીગા વૉટ નવીનીકરણ ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધારીને 2025 સુધી 35 ગીગા વૉટ કરવાનું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
8 Comments