બોપલમાંથી 2.5 લાખ ટન કચરો,બાયોમાઈનિંગ પદ્ધતિથી દૂર કરાયો, હવે ત્યાં બનશે ઈકોલોજી પાર્ક
બોપલ-ઘુમાના અંદાજે 1 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ એકમોમાંથી દૈનિક 81 મેટ્રિક ટન કચરો ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલી ડમ્પ સાઈટ પર ઠલવાતો હતો. છેલ્લા 9 વર્ષમાં 6.5 એકરમાં ફેલાયેલી આ ડમ્પ સાઈટમાં 2.50 લાખ મેટ્રિક ટન કચરો એકત્ર થઈ ગયો હતો. આસપાસના રહીશોએ આ ડમ્પ સાઈટને લીધે અતિશય દુર્ગંધ આવતી હોવાની તેમજ મચ્છરોના ઉપદ્રવ અને અનેક વખત આગ લાગવાની પણ ફરિયાદો કરી હતી. કચરાથી આ ડમ્પ સાઈટ ભરાઈ જતાં બોપલ-ઘુમા નગરપાલિકાએ કચરો પીરાણા ખાતેની ડમ્પ સાઈટ પર ઠાલવવા મ્યુનિ.ની મંજૂરી માગી હતી પણ તે આપવામાં આવી ન હતી.
6 મહિનાના ટૂંકાગાળામાં જ બોપલની ડમ્પ સાઈટ ક્લિયર
જુલાઈ-2020માં બોપલ-ઘુમાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યા પછી મ્યુનિ.એ 1 હજાર મેટ્રિક ટન પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતું સેગ્રિગેશન મશીન મૂકી લીગસી વેસ્ટના બાયોમાઈનિંગ પ્રોસેસની કામગીરી શરૂ કરી હતી. રાજ્યમાં પહેલી વખત ડમ્પ સાઈટ પર એકત્ર થયેલા કચરાનો બાયોમાઈનિંગ પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો છે. અગાઉ બોપલ-ઘુમા પાલિકાએ કચરો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી પછી પાલિકાનો મ્યુનિ.ની હદમાં વિલય થયો હતો. એ પછીના લગભગ 6 મહિનાના ટૂંકાગાળામાં જ બોપલની ડમ્પ સાઈટ ક્લિયર કરવામાં આવી છે.
3 લાખ લોકોને આ પાર્કનો લાભ મળી રહેશે
ડમ્પ સાઈટ ક્લિયર થતાં 3 કરોડના ખર્ચે 22 હજાર ચોરસ મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે. અમદાવાદનો આ પહેલો ઈકોલોજી પાર્ક હશે જેનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરાશે. આ પાર્કમાં હાઈનેચર કન્ઝર્વેશન અને એેન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરી શકે તેવા વડ, પીપળો, સીમડો, કેસુડો, ગુલમહોર, ગરમાળ, ચંપા જેવા વૃક્ષ ઉછેરશે. ફળ આવે અને પક્ષીઓને ખોરાક મળી રહે તેવા આંબો, બદામ, ખાટી આંબલી, ગુંદા સહિતના વૃક્ષો પણ હશે. અંદાજે 3 લાખ લોકોને આ પાર્કનો લાભ મળી રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
16 Comments