ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું રવિવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું, તેઓ 104 વર્ષના હતા. હિલ સ્ટેશન સાપુતારાને પ્રવાસન્ સ્થળ તરીકે વિકસાવવા ઉપરાંત શક્તિપીઠ અંબાજી મંદિરના જૂના નાના મંદિરને યથાવત્ રાખીને નવું ભવ્ય મંદિર બનાવવા જેવા અનેક નિર્માંણો કર્યાં હતા.
આઝાદી સમયના સેન્ટ્રલ રિલીફ કમિટીના સિનિયર એન્જિનયર અને ગુજરાત ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશનના વડા રહી ચુકેલા અમદાવાદના જમનાદાસ પટેલે એન્જિનિયરીંગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી હતી. સાણંદમાં ખેડૂત પરિવારને ત્યાં જન્મેલા જમનાદાસ પટેલે બૃહદ મુંબઇની એકમાત્ર ‘એન્જિનિયરિંગ કોલેજ ઓફ પૂના’માં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ કોલેજ કાળમાં 1944 વખતે ગાંધીજીએ કરેલા ‘ભારત છોડો’ એલાનથી પ્રેરણા લઇ અભ્યાસ છોડી આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા.
1947માં એન્જિનિયર થયા બાદ દિલ્હી સેન્ટ્રલ પી.ડબ્લુ.ડીમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કામગીરી શરૂ કરી હતી. એ વખતે રાજઘાટ પર ગાંધી મંડપનું કામ ચાલતું હતું. આ કામનો બહિષ્કાર કરીને તમામ એન્જિનિયરો અચાનક જતા રહેલા.આવા કપરા સમયે જાન્યુઆરી 1949 વખતે પંડિત જવાહરલાલ નહેરૂના કહેવાથી માત્ર 15 દિવસમાં આ કામ પુરૂ કર્યું અને ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ તેમને સન્માનિત કર્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-ગુજરાત સમાચાર.
21 Comments