સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સોમવારે 7 રાજ્યના સીમાડાના વિસ્તારોમાં બનેલા 44 પુલનું વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. રાજનાથે અરુણાચલ પ્રદેશમાં એક સુરંગનો શિલાન્યાસ પણ કર્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)એ કહ્યું હતું કે આ પુલોની વ્યૂહાત્મક અગત્યતા જ નથી, પરંતુ એ સુદૂર વિસ્તારો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે.
આ પુલ લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં બનાવાયા છે. એની મદદથી સેનાની સશસ્ત્ર ટુકડીઓ ઝડપથી સરહદે ફોરવર્ડ લોકેશન સુધી પહોંચી શકે છે. ચીનની સાથેના વિવાદને જોઈને ભારત સરહદી વિસ્તારોમાં અનેક અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે.
ક્યાં-કેટલા પુલ
આ તમામ પુલોને સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને તૈયાર કર્યા છે. 7 પુલ લદાખમાં તૈયાર કરાયા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 10, હિમાચલમાં 2, ઉત્તરાખંડમાં અને અરુણાચલમાં 8-8 અને સિક્કિમ તથા પંજાબમાં 4-4 પુલ બનાવાયા છે.
આવી હશે અરુણાચલની સુરંગ
અરુણાચલ પ્રદેશના નેચિફુમાં નિર્માણ પામનારી સુરંગ તવાંગના એક મુખ્ય માર્ગ પર બનાવવામાં આવશે. હિમાચલના દારચાને લદાખથી જોડવા માટે પણ સડક બનાવાઈ રહી છે. આ સડક અનેક ઊંચા બર્ફીલા પહાડોમાંથી પસાર થશે. એ લગભગ 290 કિમી લાંબી હશે. આ તૈયાર થવાથી કારગિલ સુધી સેનાની પહોંચ સરળ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
9 Comments