Big StoryNEWS

થલતેજમાં મેટ્રો રુટની નવી ડિઝાઈન: 5 વર્ષના વિવાદ બાદ 350 મકાનોને તૂટતાં, પ્રથમવાર મેટ્રો રુટની ડીઝાઈનમાં કરાયો ફેરફાર

Ahmedabad Metro

મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ સર્કલથી થલતેજ ગામ સુધીના લગભગ એક કિલોમીટરના રૂટ પર 350 જેટલા કાચા પાકા બાંધકામ દબાણમાં આવતા હતા. આ તમામ દબાણ હટાવવા અને તેના બદલે મકાન માલિકોને વળતર ચુકવવાના મુદ્દે લગભગ 5 વર્ષથી વિવાદ ચાલતો હતો. જંત્રી ભાવ વગર સરખા ભાવે વળતર ચૂકવવાની માંગણી સાથે ચાલતા વિવાદના પગલે હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (જીએમઆરસી) પીવીઆર સિનેમાની બાજુમાં રોડ પર તૈયાર થઈ રહેલા થલતેજ સ્ટેશનની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવાની સાથે કોરિડોર (રૂટ)માં પણ બદલાવ કર્યો છે.

નવી ડિઝાઈન મુજબ હવે મેટ્રો પિલર હાલના 12 મીટર પહોળા રોડની વચ્ચેથી પસાર થઈ થલતેજ ગામ સ્ટેશન સુધી જશે. નવી ડિઝાઈન મુજબ હવે કોઈ પણ મકાન કપાતમાં નહીં જાય. જો કે રોડ પર આવતા 6 જેટલા મકાનોનો નજીવો હિસ્સો જ દબાણમાં આવતાં તે દૂર કરવામાં આવશે. મકાનો તૂટતાં રોકવા માટે મેટ્રો રૂટની ડિઝાઈનમાં ફેરફારનો આ પ્રથમ કિસ્સો છે.
જીએમઆરસીના ચીફ જનરલ મેનેજર અમિત ગુપ્તાના જણાવ્યા મુજબ, હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સર્કલ નજીક પીવીઆર સિનેમા સુધી કોરિડોરની કામગીરી કરાઈ રહી છે. થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ 900 મીટર લાંબા રૂટ પર રાજ એવન્યુ,અભિક્રમ સોસાયટી, અંકન એપાર્ટમેન્ટ, ઠાકોરવાસ સહિત અન્ય બાંધકામોમાં 350 જેટલા મકાનો દબાણમાં આવતા હતા. આ મકાન માલિકોને અલગ અલગ જંત્રીના બદલે સરખા ભાવે વળતર ચૂકવવાની માંગણી કરતા હતા.


આ મુદ્દો લગભગ 5 વર્ષથી વિવાદમાં હતો જેના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. આ સ્થિતિમાં હવે જીએમઆરસી દ્વારા પીવીઆર સિનેમા પાસે તૈયાર થઈ રહેલા થલતેજ સ્ટેશનની ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેશનનો કોન્કોર એરિયા યથાવત રહેશે જ્યારે ઉપરનો પ્લેટફોર્મ 40 મીટર પાછળ (દૂરદર્શન તરફ) કેન્ટી લિવર સ્ટ્રક્ચરના આધારે ખસેડવામાં આવશે. જેથી રૂટને ત્યાંથી વળાંક આપી રોડની વચ્ચેથી પસાર કરવામાં આવશે એટલે કે અગાઉના રૂટથી જમણી બાજુ શિફ્ટ કરવામાં આવશે. નવી ડિઝાઈન મુજબ રોડ પર આવતા 6 મકાનોમાં કુલ 4 સ્ક્વેર મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે.

18 માસમાં 109 કરોડના ખર્ચે થલતેજ ગામ સ્ટેશન તૈયાર કરાશે
વિવાદનો ઉકેલ આવ્યા બાદ હવે જીએમઆરસી દ્વારા થલતેજ સ્ટેશનથી થલતેજ ગામ સ્ટેશન સુધીના લગભગ 900 મીટર લાંબા રૂટ અને થલતેજ ગામ સ્ટેશનના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 109.23 કરોડ રૂપિયાના ખર્ચે જીએમઆરસી દ્વારા આ 900 મીટર લાંબા રૂટ પર 59 પીલર અને સ્પાન (એલિવેટેડ કોરિડોર) તૈયાર કરવાની સાથે થલતેજ ગામ સ્ટેશન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ કરવા માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

2016માં APMCથી મોટેરાના રૂટની ડિઝાઈન બદલવી પડી હતી
શહેરમાં મેટ્રોના ફર્સ્ટ ફેઝમાં સૌથી પહેલા 2016માં એપીએમસીથી મોટેરા રૂટની ડિઝાઈનમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ એપીએમસીથી શરૂ થતો આ રૂટ આશ્રમરોડ પરથી લઈ જવાનો હતો. પરંતુ કામ શરૂ કરતાં પહેલાં રૂટમાં ફેરફાર કરી એપીએમસીથી જીવરાજપાર્ક, રાજીવનગર થઈ રેલવે લાઈનની બાજુમાંથી ગાંધીગ્રામ થઈ વાડજ સુધી અને ત્યાંથી ગોપી અન્નક્ષેત્ર પાસેથી પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજીવાર ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં થલતેજ ગામ ખાતે 350 મકાનોનો વિવાદ થતા હવે 900 મીટરના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે માત્ર 6 મકાનનો નજીવો હિસ્સો કપાતમાં જશે
થલતેજથી થલતેજ ગામ સ્ટેશન સુધીના લગભગ 900 મીટર લાંબા રૂટની ડિઝાઈનમાં ફેરફાર કરાતા હવે ફક્ત 6 જ મકાનોમાં નજીવો હિસ્સો એટલે કે 4 સ્ક્વેર મીટર જગ્યાનું સંપાદન કરવામાં આવશે અને તેના માટે મકાન માલિકોએ સહમતિ આપી દીધી છે. આ ઉપરાંત થલતેજ સ્ટેશન પાસે પણ 7 જેટલા બાંધકામના દબાણો હટાવવા પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close