NEWSUpdates

AMCની કાર્યવાહી:અમદાવાદમાં બે મેટ્રો બાંધકામ સાઈટ સહિત 171 જગ્યાએ મચ્છરના બ્રિડિંગ મળ્યા, ચાર કન્સ્ટ્રકશન સાઈટ સીલ

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. રોગચાળો વકરતા લોકો અને કોર્પોરેટરો પણ આરોગ્ય વિભાગના અધિકારીઓથી નારાજ હતા જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ રહી રહીને જાગ્યું છે. ખાસ કરીને શહેરમાં બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણી ભરાઈ રહેતું હોય છે અને સામાન પણ હોય છે જેમાં પાણીનો નિકાલ તેઓ નથી કરતા જેના કારણે મચ્છર થાય છે. આજે હેલ્થ વિભાગે શહેરમાં ચાલતી અલગ અલગ કન્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

171 સાઈટોને નોટિસ ફટકારી દંડ કરાયો
આ કામગીરી દરમિયાન 299 જેટલી કન્ટ્રક્શન સાઇટ પર ભરાયેલા પાણીનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 171 જેટલી સાઈટને નોટિસ ફટકારી અને 7.94 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે વટવામાં આવેલી ગણેશ ફ્લોરા, નવાવાડજની સહજ બાંધકામ, નરોડાની સાહિત્ય એન્ઝા અને વટવાના આર.વી મોલને સીલ મારવામાં આવ્યા છે.

મેટ્રો સાઈટ, ડી માર્ટમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે કરેલા ચેકિંગમાં લાંભામાં સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક, ચાંદલોડિયા તુલસી હાઇટ્સ, બોડકદેવમાં બિનોરી કન્સ્ટ્રક્શન, વસ્ત્રાલમાં કેસર હાઇટ્સ, રામોલમાં ડી માર્ટ બાંધકામ, ચાંદખેડા પ્રધાનમંત્રી આવાસ યોજના, નરોડા વસુંધરા બાંધકામ, ઘાટલોડિયા ઉગતી લેકવ્યુ કન્સ્ટ્રક્શન સાઈટ, શાહીબાગ શિવાલિક એન્કલેવ, શાહીબાગ સંકલ્પ ઇન્ટરનીટી બાંધકામ, નવાવાડજ અખબારનગર અને શિવમ રો હાઉસ પાસે મેટ્રો બાંધકામ સાઈટ, ચાંદલોડિયા આદિત્ય પ્રાઇમ સહિતની સાઇટો પર મચ્છરના બ્રિડિંગ મળી આવતા નોટીસ આપી અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

હેલ્થ વિભાગની સૂચના છતા સાઈટ પર બેદરકારી
હેલ્થ વિભાગ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પણ અનેક વખત સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ જ પાણી ભરી રાખવાનું કહ્યું છે. પાણીની ટાંકીના ઢાંકણ ફિટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ અનેક એકમો બેદરકારી દાખવે છે જેથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છર ઉપદ્રવ ફેલાવે છે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ખાલી પડેલા કારખાના, ઇન્સ્ટિટ્યૂ વગેરેમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વરસાદી પાણીના નિકાલ માટેની સુચના આપવામાં આવી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close