InfrastructureNEWSResidential

મહેર હોમ્સ-1માં ભૂવો પડવાનો મામલો: શેલા, ગોધાવીના તમામ પ્રોજેક્ટ ઔડાના રડારમાં

Meher Homes-1 landslide case: All projects in Shela, Godhavi on Auda's radar

રવિવારે પડેલા ભારે વરસાદ બાદ શેલામાં આવેલી મહેર હોમ્સ-1ના પાર્કિંગમાં ભૂવો પડી જવાથી ફ્લેટોમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. મહેર હોમ્સની બાજુમાં જ બની રહેલી એક સ્કીમમાં ડાયાફામ વૉલ ના બનાવાઈ હોવાથી સોસાયટીમાં ભૂવો પડ્યો. રવિવારની ઘટનામાં આખુંય શેલા જાણે જળબંબાકાર બની ગયું હતું અને ફ્લેટોના બેસમેન્ટ પાર્કિંગમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

રવિવારે પડેલા અતિભારે વરસાદમાં શેલામાં આવેલા મહેર-1 અપાર્ટમેન્ટમાં ભૂવો પડવાની ઘટનાની ઔડાએ ગંભીર નોંધ લીધી છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. આ સ્કીમ વિશ્વનાથ રિયાલ્ટરની છે. ઘટના બાદ ઔડા દ્વારા શેલા અને ગોધાવી સહિત પોતાની હદમાં આવતા વિસ્તારોમાં બની રહેલી તમામ સ્કીમો પણ ચેક કરવામાં આવશે. મહેર-1 હોમ જેવી ભૂવો પડવાની ઘટના બીજી કોઈ સ્કીમમાં ના બને તે સુનિશ્ચિત કરવા ઔડાએ કવાયત શરુ કરી હોવાનું અખબારે પોતાના અહેવાલમાં જણાવ્યું છે.

ભૂવો પડતાં બે વાહનોને નુક્સાન, ગેસની પાઈપલાઈન પણ ડેમેજ થઈ

મહેર હોમ્સ-1ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાર્કિંગમાં પડેલા ભૂવાને કારણે અદાણીની ગેસ પાઈપલાઈનમાં ભંગાણ પડવાની સાથે બે વાહનોને પણ નુક્સાન થયું હતું. ઔડાના સિનિયર અધિકારીને ટાંકીને અમદાવાદ મિરર જણાવે છે કે, મહેર હોમ્સ-1ની બાજુમાં જ વિશ્વનાથ ગ્રુપ દ્વારા બીજી સ્કીમ બનાવવામાં આવી રહી છે. અંડર કન્સ્ટ્રક્શન સ્કીમમાં ડાયાફામ વૉલ બનાવવામાં ના આવી હોવાથી મહેર-1માં ભૂવો પડવાની ઘટના બની છે. ડાયાફાર્મ વૉલ્સ સામાન્ય રીતે કોંક્રિક કે પછી સ્ટીલ રિઈન્ફોર્સ્ડ વૉલ હોય છે, જે પર્મેનેન્ટ ફાઉન્ડેશન કે પછી કટ-ઓફ વૉલ તરીકે બનાવવામાં આવે છે. આ દીવાલ ગ્રાઉન્ડવોટર બેરિયર તરીકે પણ કામ કરતી હોય છે.

શેલા અને ગોધાવીમાં બની રહી છે અનેક હાઈરાઈઝ બિલ્ડિંગ

શેલા તેમજ ગોધાવીમાં મોટાપાયે હાલ રેસિડેન્શિયલ હાઉસિંગ સ્કીમ બની રહી છે, જેમાંની મોટાભાગની હાઈરાઈઝ બિલ્ડિંગ છે. આ બંને વિસ્તાર ઔડાની હદમાં આવે છે. અમદાવાદમાં રવિવારે પડેલા વરસાદમાં શેલામાં પહેલા ક્યારેય ના ભરાયા હોય તેવા પાણી ભરાયા હતા. ક્લબ ઓ7થી લઈને રિંગ રોડ સુધી જતો શેલાનો મેઈન રોડ જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેમાં અનેક વાહનો પણ ફસાઈ ગયા હતા. આ સિવાય બેસમેન્ટ પાર્કિંગ ધરાવતી સ્કીમોમાં પણ પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી હતી. તેમાંય મહેર હોમ્સ-1માં તો સોસાયટીમાં ભૂવો પડી જતાં લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

શેલામાં આવેલી મહેર હોમ્સ-1 પાંચ વર્ષ જૂની સ્કીમ છે. તેના રહીશોનું માનીએ તો, ભૂવો પડી જવાની ઘટના બાદ સોસાયટીમાં લાઈટ અને ગેસનો સપ્લાય બંધ થઈ ગયો હતો, જે છેક સોમવારે સાંજે પૂર્વવત કરી શકાયો હતો. મતલબ કે, રહીશોને લગભગ 24 કલાક સુધી ગેસ અને વીજળી વિના રહેવાનો વારો આવ્યો હતો. મિરરના રિપોર્ટ અનુસાર, ઔડાના સીઈઓ દેવાંગ દેસાઈએ પણ મહેર હોમ્સ-1ની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, તેની બાજુમાં બની રહેલી સ્કીમમાં ડાયાફાર્મ વૉલ ના હોવાથી આ ઘટના બની છે, જેની ઔડાની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવશે. જો CGDCRનો ભંગ થયો હોવાનું સામે આવશે તો એક્સપર્ટ્સને રોકીને ઉંડાણપૂર્વક તપાસ કરાશે. આ સિવાય ઈન્સ્પેક્શન ટીમ અન્ય અંડરકન્સ્ટ્રક્શન સ્કીમની પણ તપાસ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close