ઓગસ્ટમાં ઈન્ટરસિટી ટ્રેન ચાલુ થશે: અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજનું કામ પૂરું
Intercity train to start in August: Ahmedabad-Udaipur broad gauge completed
અમદાવાદથી વાયા હિમ્મતનગર, ડુંગરપુરના રસ્તે ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 6 વર્ષ પહેલા આ રૂટ પર મીટર ગેજ ટ્રેનો દોડતી હતી જેમાં અમદાવાદથી ઉદયપુર પહોંચવામાં લગભગ 10 કલાકથી વધુ સમય લાગતો હતો. જ્યારે રોડ માર્ગે અમદાવાદથી ઉદયપુર 5થી 6 કલાકમાં જ પહોંચી શકાય છે. હવે આ રૂટ બ્રોડગેજ થતા ટ્રેનથી 5 કલાકમાં પહોંચી શકાશે.
8 અને 9 જુલાઈએ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) ઈન્સ્પેક્શન કરશે. 8 જુલાઈએ 32 કિલોમીટર રૂટ પર મોટરટ્રોલીથી નાના મોટા બ્રિજની સાથે આ રૂટ પર તૈયાર કરાયેલી 821 મીટર લાંબી ટનલ નિરીક્ષણ કરવામાં આવશે જ્યારે 9 જુલાઈએ આ રૂટ પર સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે.
સીઆરએસનું પ્રમાણ પત્ર મળતા આ રૂટ પર ઓગસ્ટમાં અમદાવાદ – ઉદયપુર ઈન્ટરસિટી સહિત કેટલીક ટ્રેનો શરૂ થાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા અમદાવાદ, મુંબઈ સહિત અન્ય શહેરોમાં રહેતા રાજસ્થાનના વેપારીઓ, શ્રમિકો સહિત અન્ય લાખો લોકોને ફાયદો થશે.
રાજ્યમાંથી દર વર્ષે અંદાજે 3.5 લાખ પર્યટક ઉદયપુર જતા હોય છે
ઓગસ્ટમાં અમદાવાદ – ઉદયપુર વચ્ચે ટ્રેન શરૂ થયા બાદ સ્થાનીય લોકોની સાથે મોટી સંખ્યામાં રાજસ્થાન તરફ ફરવા જતાં પર્યટકોને પણ ફાયદો થશે. મળતી માહિતી મુજબ ડુંગરપુર ઉદયપુર સહિત આસપાસના વિસ્તારોમાં દર વર્ષે સરેરાશ 10 લાખથી વધુ પર્યટકો ફરવા આવે છે જેમાં સૌથી વધુ લગભગ 35 ટકા પર્યટકો અમદાવાદ સહિત ગુજરાતમાંથી જાય છે. આ બન્ને શહેરો વચ્ચે ટ્રેનની કનેક્ટિવિટી શરૂ થતા ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.
ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશને 9 જોડી ટ્રેનને સ્ટોપેજ
રેલવે દ્વારા પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 5 જોડી ટ્રેનને, આંબલી રોડ સ્ટેશન પર બે જોડી ટ્રેનને તેમજ સાબરમતી પર બે જોડી ટ્રેનોને સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓખા-ગોરખપુર, સોમનાથ- જબલપુર, વેરાવળ – બાંદ્રા ટર્મિનસ તેમજ ઓખા – મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર 2 મિનીટનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. એજરીતે અમદાવાદ – સોમનાથ – અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ અને જામનગર – વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને આંબલી રોડ સ્ટેશન પર બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments