PM મોદી 10મી જૂને અમદાવાદમાં બનેલ ઇન-સ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
PM Modi will inaugurate the In-Space Center in Ahmedabad on June 10
વડાપ્રધાન મોદી આગામી તારીખ 10 જૂને અમદાવાદના બોપલ ખાતે આવેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદઘાટન કરશે. આ ઇન-સ્પેસ સેન્ટર શું કામગીરી કરશે એ બાબતે સૌકોઈમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે દિવ્ય ભાસ્કરે ઈસરો સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી આ સેન્ટરની કેવી કામગીરી હશે એ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ સેન્ટરનો હેતુ પ્રાઇવેટ કંપનીને પ્રોત્સાહન આપવા માટેનો છે. પ્રાઇવેટ કંપનીને સ્પેસને લગતી કામગીરીમાં ઇન્વોલ્વ કરવાનો છે. ઇન-સ્પેસ એ એક અલગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો એક અલગ સંસ્થા જ ઊભી કરવામાં આવી છે, જે પ્રાઇવેટ કંપની અને ઈસરોની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે.
સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝેશન માટે આ સેન્ટર બનાવાયું છે – રાજીવ જ્યોતિ
ઇન સ્પેસ સેન્ટરની જવાબદારી જેમના શિરે રાખવામાં આવી છે એવા ઈસરોના પૂર્વ એસોસિયેટ ડિરેક્ટર રાજીવ જ્યોતિએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇન-સ્પેસ સેન્ટર એ ઈસરોની જ એક સંસ્થા છે. ઇન-સ્પેસ નામની અંદર જ સેન્ટરનો અર્થ સમાયેલો છે. સ્પેસ માટે પ્રમોશન અને ઓથોરાઈઝેશન કરવા માટે આ બનાવાયેલું એક સેન્ટર છે. જે રીતે ઈસરો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંદર આવે છે એ જ રીતે ઇન-સ્પેસ સેન્ટર પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ જ કામગીરી કરશે.
અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં કામ કરી ચૂકેલા અધિકારીને જવાબદારી સોંપાઈ
ઇન-સ્પેસ સેન્ટર કે જેનું વડાપ્રધાન આગામી 10 જૂનના રોજ ઉદઘાટન કરવાના છે એ સેન્ટર ચલાવવાની જવાબદારી બે વ્યક્તિને સોંપાઈ છે, જેમાં એક છે રાજીવ જ્યોતિ, જેઓ અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) ખાતે એસોસિયેટ ડિરેક્ટર તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે. તેમને આ સેન્ટર ચલાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત બેંગલુરુ ઈસરો હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવી ચૂકેલા પીકે જૈન પણ આ સેન્ટરમાં પોતાની ફરજ નિભાવશે.
ખાનગી કંપનીને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલું પગલું
વડાપ્રધાન મોદી દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવાયાં છે ત્યારે હવે સ્પેસ સેન્ટરના માધ્યમથી પણ ખાનગી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ભરવામાં આવેલું આ પગલું છે. ઇન-સ્પેસ સેન્ટર થકી ખાનગી પ્રોત્સાહનો પોતાની ક્ષમતાને આધીન ઇન-સ્પેસના પ્રોજેક્ટમાં મદદ કરવાથી વિકસિત થઈ શકશે.
નાસા સેન્ટર જેવી આબેહૂબ કામગીરી ઈન-સ્પેસ સેન્ટરમાં થશે
જે રીતે નાસા સ્પેસ સેન્ટર દ્વારા કોઈપણ પ્રોજેક્ટને લગતા પ્લાનિંગ અને ડિઝાઇન તેમજ કન્સેપ્ટ બનાવ્યા બાદ જે-તે કોન્સેપ્ટનું અમલીકરણ કરવાની કામગીરી ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, એ જ રીતે ઇન-સ્પેસ સેન્ટરમાં પણ આ કામગીરી થવાની સંભાવના છે.
અવકાશ પ્રવૃત્તિઓ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓ ઈસરોની સુવિધાનો ઉપયોગ કરશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ પોતાના ટ્વિટર હેન્ડલ પર IN-SPACE હેડક્વાર્ટરના ઉદઘાટનની જાહેરાત કરવામાં આવી હતી. જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલું IN-SPACE, નોડલ એજન્સી હશે, જે અવકાશ પ્રવૃત્તિ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ માલિકીની સુવિધાઓના ઉપયોગને મંજૂરી આપશે, જેનાથી ખાનગી ભાગીદારીની વધુ ખાતરી કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
6 Comments