અમદાવાદમાં 1970માં બનેલો ગાંધી આશ્રમ રોડ હવે કાયમી બંધ કરવામાં આવશે
Gandhi Ashram Road, built in 1970 in Ahmedabad, will now be permanently closed
શહેરની ધરોહર સમાન ગાંધીઆશ્રમના વિકાસ માટે કેન્દ્ર સરકાર વિશેષ રસ લઇ રહી છે, ત્યારે હવે રાણીપ બસ સ્ટેન્ડ સામેથી (પ્રબોધ રાવળ બ્રીજ) પાસેથી રસ્તો બનાવી ગાંધીઆશ્રમની સામેની તરફ પાછળથી જૂનાવાડજ એસટીપી પ્લાન્ટની પાછળથી પરીક્ષિતલાલ બ્રિજની પાછળની તરફ નીકળશે. આ રસ્તો બની જતાં જ વાડજથી સુભાષ બ્રિજ જવા માટે હાલ જે ગાંધીઆશ્રમ પાસેના રસ્તો છે, તે બંધ કરી દેવામાં આવશે. તેને સ્થાને આ નવો રસ્તો ઉપયોગમાં લેવામાં આવશે.
હાલ આ રસ્તો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે, 1972 થી પણ પહેલાથી ગાંધીઆશ્રમ પાસેનો આ રસ્તો ઉપલબ્ધ છે. 1984 આસાપાસ આ રસ્તાને પહોળો બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ જ ગાંધીઆશ્રમ વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેને કારણે હાલ પણ એસટી બસો વાડજથી સીધા જૂનાવાડજ રામાપીરના ટેકરા વિસ્તારમાંથી પ્રબોધ રાવળ બ્રિજ તરફ નીકળે છે.
આ સ્થિતિ વચ્ચે હવે આગામી દિવસોમાં ગાંધીઆશ્રમ નજીકથી પસાર થતાં અન્ય વાહનો પણ બંધ થઇ જતાં આ વિસ્તાર ખરા અર્થમાં સાઈલન્ટ ઝોન બનશે. ગાંધીઆશ્રમ વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરી હેઠળ આ રસ્તો બન્યા બાદ અન્ય કામગીરી પણ ઝડપથી હાથ ધરાય તેવી શક્યતા છે.
1947 પહેલાં બનેલા જૂના બિલ્ડિંગ યથાવત્ રખાશે
ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમની 55 એકર જમીનમાં રિડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. જેમાં હાલમાં જે જગ્યાએ આશ્રમ છે તે સહિત તેની સામેના ભાગમાં અંતેવાસીઓના ઘરો પણ આવરી લેવામાં આવ્યા છે.આશ્રમનો 1947 પહેલા બનેલા અંદાજે 50થી વધુ બિલ્ડિંગોને યથાવત્ સ્થિતિમાં રાખવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે, આ તમામ ઐતિહાસિક છે. આશ્રમનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ બદલવામાં આવશે. જ્યારે વચ્ચેનો રોડ પણ ડેવલપમેન્ટમાં ભેગો કરી બંને તરફનો ભાગ એક જ કેમ્પસમાં આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments